2025-26માં ભારતીય અર્થતંત્ર 6.7 ટકાના દરે વૃદ્ધિ પામશે, RBI નો અંદાજ
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નાણાકીય વર્ષ 2025-26 માં કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) વૃદ્ધિ દર 6.7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. ઉપરાંત, 31 માર્ચે પૂરા થતા વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં આર્થિક વિકાસ દર 6.4 ટકા રહેવાનો અંદાજ છે.
RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે જણાવ્યું હતું કે, રવિ પાકની સારી સંભાવનાઓ અને ઔદ્યોગિક પ્રવૃત્તિમાં અપેક્ષિત સુધારો આગામી નાણાકીય વર્ષ 2025-26માં આર્થિક વિકાસને ટેકો આપશે. ત્રણ દિવસની નાણાકીય નીતિ સમિતિ (એમપીસી) ની બેઠક બાદ તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટ 2025-26 માં કર રાહતને કારણે સ્થાનિક વપરાશ મજબૂત રહેવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2025-26 માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 6.7 ટકા રહેવાનો અંદાજ છે. પ્રથમ ક્વાર્ટરમાં તે 6.7 ટકા, બીજા ક્વાર્ટરમાં 7.0 ટકા અને ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં 6.5 ટકાના દરે વૃદ્ધિ પામવાની ધારણા છે.
ગયા અઠવાડિયે સંસદમાં રજૂ કરાયેલા આર્થિક સર્વેક્ષણમાં અંદાજ લગાવવામાં આવ્યો હતો કે, ભારતનો અર્થતંત્ર 2025-26માં 6.3-6.8 ટકાના દરે વૃદ્ધિ પામશે. ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં, જીડીપી વૃદ્ધિ દર ચાર વર્ષના નીચલા સ્તરે 6.4 ટકા રહેવાનો અંદાજ છે. આ પછી જ, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે, 2025-26ના બજેટમાં વપરાશ વધારવા માટે મધ્યમ વર્ગને અત્યાર સુધીની સૌથી મોટી આવકવેરા મુક્તિ આપવાની જાહેરાત કરી છે.