ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચને લઈને તૈયારીઓ શરૂ કરી
- 19મી સપ્ટેમ્બરના રોજ ચેન્નાઈમાં રમાશે પ્રથમ ટેસ્ટ
- બીસીસીઆઈએ ભારતીય ટીમનો ફોટો શેર કર્યો
નવી દિલ્હીઃ બાંગ્લાદેશ સામે 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી બે મેચની ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઈન્ડિયા શુક્રવારે ચેન્નાઈ પહોંચી છે. મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને બોલિંગ કોચ મોર્ને મોર્કેલ માટે આ પ્રથમ ટેસ્ટ શ્રેણી હશે જેમાં તેમનો હેતુ ભારતીય ટીમને જીત અપાવવાનો રહેશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભારતીય ખેલાડીઓની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં ગંભીર અને રોહિત જોવા મળ્યા હતા.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ મેચ એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે જ્યારે બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં શરૂ થશે. BCCIએ શુક્રવારે પ્રેક્ટિસ સેશનની તસવીરો શેર કરી હતી. બોર્ડે લખ્યું હતું કે, કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ટીમ ઈન્ડિયા રોમાંચક ડોમેસ્ટિક સીઝન માટે પોતાની તૈયારીઓ શરૂ કરી રહી છે. ટીમ સાથે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પણ જોડાયો હતો. તેઓ લંડનથી સીધા ચેન્નાઈ પહોંચ્યા હતા. ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, બેટ્સમેન કેએલ રાહુલ, વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ગુરુવારે જ અહીં પહોંચ્યા હતા. ખેલાડીઓ એક મહિનાથી વધુના વિરામ બાદ મેદાનમાં પરત ફરશે. ઓગસ્ટમાં શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં ભારત શ્રીલંકા સામે હારી ગયું હતું. નવા કોચ ગૌતમ ગંભીરની આ પ્રથમ ટેસ્ટ શ્રેણી છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યોજાનારી ટેસ્ટ શ્રેણી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રનો એક ભાગ છે. આ પછી, ભારતીય ટીમને ન્યુઝીલેન્ડમાં ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી અને ઓસ્ટ્રેલિયામાં પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર શ્રેણી રમવાની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ભારત 68.52 ટકા પોઈન્ટ સાથે ટોચ પર છે જ્યારે ઓસ્ટ્રેલિયા 62.52 ટકા પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. બાંગ્લાદેશ 45.83 ટકા માર્ક્સ સાથે ચોથા સ્થાને છે. બાંગ્લાદેશે તાજેતરમાં જ પાકિસ્તાનને હરાવ્યું હતું. નઝમુલ હુસૈન શાંતોએ બે મેચની ટેસ્ટ શ્રેણીમાં યજમાન ટીમનો વ્હાઇટવોશ કર્યો હતો. બાંગ્લાદેશે રાવલપિંડીમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાન પર 0-2થી જીત મેળવી હતી. બાંગ્લાદેશે પ્રથમ ટેસ્ટ 10 વિકેટે જીતી હતી. આ સાથે જ ટીમે બીજી મેચ છ વિકેટે જીતી લીધી હતી. હવે ટીમની નજર ભારત સામે પણ આવા પ્રદર્શન પર રહેશે.