ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને ધમકીભર્યા ઇમેઇલ મળ્યા છે, જેનાથી તેમની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ગંભીરને 22 એપ્રિલના રોજ એક શંકાસ્પદ જીમેલ એકાઉન્ટમાંથી આ ધમકીભર્યા ઇમેઇલ્સ મળ્યા હતા. આ દિવસે, આતંકવાદીઓએ કાશ્મીરના પહેલગામમાં 26 લોકોની હત્યા કરી હતી, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સેન્ટ્રલ) એમ હર્ષવર્ધને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમને ગૌતમ ગંભીર સાથે જોડાયેલા ઈમેલ આઈડી પર કથિત ધમકીભર્યા ઈમેલ મળ્યાની જાણ કરવામાં આવી છે. આ કેસની તપાસ ચાલી રહી છે."
અધિકારીએ જણાવ્યું હતું કે, "ગૌતમ ગંભીર પહેલાથી જ દિલ્હી પોલીસ સુરક્ષા હેઠળ છે અને અમે ચોક્કસ સુરક્ષા વ્યવસ્થા અંગે કોઈ ટિપ્પણી કરતા નથી." પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ભૂતપૂર્વ સાંસદ ગંભીરને "ISIS કાશ્મીર" નામના એક વ્યક્તિ તરફથી "હું તને મારી નાખીશ" સંદેશ સાથે બે ધમકીભર્યા મેઇલ મળ્યા હતા. આ સંદર્ભે, રાજિન્દર નગર પોલીસ સ્ટેશનમાં ધમકીભર્યા મેઇલના સ્ક્રીનશોટ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે.