For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારતીય ખેલાડી નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ, 90.23 મીટર સુધી ફેંક્યો ભાલો

10:55 AM May 17, 2025 IST | revoi editor
ભારતીય ખેલાડી નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ  90 23 મીટર સુધી ફેંક્યો ભાલો
Advertisement

નવી દિલ્હીઃ ભારતના નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગમાં પહેલી વખત 90.23 મીટર સુધી ભાલો ફેંકીને ઈતિહાસ રચ્યો છે. તેણે ફાઈનલમાં પોતાના ત્રીજા પ્રયાસમાં 90.23 મીટર ભાલા ફેંકીને પોતાનો શ્રેષ્ઠ દેખાવ કર્યો. અગાઉ, તેનો શ્રેષ્ઠ થ્રો 89.94 મીટર હતો, જે તેમણે 30 જૂન, 2022ના રોજ સ્ટોકહોમ ડાયમંડ લીગમાં ફેંક્યો હતો.

Advertisement

શ્રેષ્ઠ થ્રો હોવા છતાં, નીરજ ચોપરાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. જર્મનીના વેબર જુલિયને 91.06 મીટર સાથે ગોલ્ડ મેડલ જીત્યો. છમાંથી 5મા થ્રો સુધી નીરજ નંબર વન પર હતો, પરંતુ છઠ્ઠા અને છેલ્લા થ્રોમાં જુલિયને નીરજ ચોપડાને પાછળ છોડ્યો. તમને જણાવી દઈએ કે 90 મીટરનું અંતર માત્ર એક આંકડો નહોતું, પરંતુ તે નીરજ ચોપરા માટે એક પડકાર બની ગયું હતું. તે ઘણી વખત આ આંકડાની ખૂબ નજીક આવ્યો, પરંતુ દરેક વખતે તે 88 કે 89 મીટર સુધી મર્યાદિત રહ્યો.

ટોક્યો ઓલિમ્પિક અને બુડાપેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવા છતાં, પ્રશ્ન એ જ રહ્યો કે શું નીરજ ક્યારેય 90 મીટર પાર કરી શકશે? હવે નીરજે પૂરા દૃઢ નિશ્ચય સાથે આનો જવાબ આપ્યો છે. જ્યારે નીરજ ચોપરાએ ત્રીજા પ્રયાસમાં આ ઐતિહાસિક થ્રો કર્યો, ત્યારે આખું મેદાન ખુશીથી ગુંજી ઉઠ્યું. આ પ્રદર્શનમાં તેમના નવા કોચ જાન ઝેલેઝનીની ભૂમિકા પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Advertisement

નીરજે તાજેતરમાં જર્મન કોચ ડૉ. ક્લાઉસ બાર્ટોનીટ્ઝને હટાવીને ત્રણ વખતના ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા ઝેલેઝનીને પોતાના કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. આ થ્રો સાથે, નીરજ હવે 90 મીટર ક્લબમાં જોડાઈ ગયો છે, જેમાં પહેલાથી જ પાકિસ્તાનના ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અરશદ નદીમ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ સિદ્ધિ માત્ર નીરજ માટે એક રેકોર્ડ નથી પણ એક મોટી વ્યક્તિગત જીત પણ છે.

દોહામાં નીરજની આ સિઝનની પહેલી મોટી ઈવેન્ટ હતી, જ્યાં તેણે 2 વખતના વિશ્વ ચેમ્પિયન અને 2024 ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા ગ્રેનાડાના પીટર્સ એન્ડરસન, ચેકિયાના જેકબ વાડલેજ, જર્મનીના વેબર જુલિયન અને મેક્સ ડેહનિંગ, કેન્યાના જુલિયસ યેગો અને જાપાનના રોડરિક જંકી ડીન જેવા દિગ્ગજ ખેલાડીઓનો સામનો કર્યો હતો. એન્ડરસન 85.64 મીટર સાથે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો.

Advertisement
Tags :
Advertisement