વર્લ્ડ કપ જીત્યા પછી શેફાલી વર્માએ માનસા માતાના મંદિરમાં શીશ ઝુકાવ્યું
નવી દિલ્હીઃ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપના અંતિમ બે મેચોમાં અચાનક ટીમમાં સામેલ થતાં જ ભારતીય ટીમને વિજય અપાવનારી શેફાલી વર્માએ ગુરુવારે પોતાના વતન કોટપૂતલી-બહોરોડ જિલ્લાના દહમી ગામમાં પહોંચીને કુલદેવી માનસા માતાના દરબારમાં પૂજા-અર્ચના કરી હતી. જીત બાદ મળેલો મેડલ પણ તેમણે માતાના ચરણોમાં સમર્પિત કર્યો અને 56 ભોગનો પ્રસાદ અર્પણ કર્યો હતો.
શેફાલીએ જણાવ્યું કે તેઓ હંમેશા પોતાના દેશ માટે જ રમે છે. યુવતીઓને સંબોધતા તેઓએ કહ્યું કે જીવનમાં સફળતા મેળવવા માટે આત્મવિશ્વાસ અને કઠોર મહેનત એ જ સાચો માર્ગ છે. ભારતે ફાઈનલમાં ઈતિહાસ રચ્યો અને તે જીતમાં શેફાલી વર્માની ભૂમિકા નિર્ણાયક રહી હતી.
શેફાલીનો પરિવાર વર્ષો પહેલા દહમી ગામમાંથી હરિયાણાના રોહતકમાં સ્થાયી થયો હતો, પરંતુ સગા આજે પણ ગામે રહે છે. શેફાલી તહેવારો અને લગ્ન પ્રસંગોએ ગામમાં અવશ્ય આવે છે. વિશ્વ કપના ફાઈનલમાં તેમને પ્લેયર ઑફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. ગુરુવારે પૂજા દરમ્યાન શેફાલી સાથે માતા પરવીન, પિતા સંજીવ વર્મા તથા સમગ્ર પરિવાર હાજર હતો.
શેફાલી અને તેમના પરિવાર દ્વારા માનસા માતાને આભૂષણો, શ્રીફળ અને મુકુટ સહિતની ભેટો અર્પણ કરવામાં આવી હતી. શેફાલીએ જણાવ્યું કે ફાઈનલ સુધીનો માર્ગ સરળ નહોતો. ઓસ્ટ્રેલિયા સામેની જીતે ટીમની હિંમત વધી. દક્ષિણ આફ્રિકાએ અગાઉ અનેક વખત ભારતને હરાવ્યું હોવાથી તેઓ કોઈ પણ ટીમને હળવાશથી લીધા વગર મેદાનમાં ઉતર્યા હતા.