ભારતીય સેનાએ મ્યાનમાર સરહદ પર 10 આતંકવાદીઓને ઠાર માર્યા
નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ભારત-મ્યાનમાર સરહદ પર 10 આતંકવાદીઓને ઠાર માર્યા છે. સેનાના પૂર્વીય કમાન્ડે X પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. ભારતની પૂર્વીય સરહદ પર આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે તાજેતરમાં ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. આ કાર્યવાહી બાદ ભારત અને પાકિસ્તાન સરહદ પર તણાવની સ્થિતિ યથાવત છે.સેનાના પૂર્વીય કમાન્ડે મોડી રાત્રે X પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું, "ગુપ્ત માહિતીના આધારે, ભારત-મ્યાનમાર સરહદ નજીક સ્થિત ચંદેલ જિલ્લાના ખેગજોય તહસીલના ન્યુ સમતાલ ગામ નજીક આતંકવાદીઓની હિલચાલ શોધી કાઢવામાં આવી હતી. આ પછી, આસામ રાઇફલ્સના યુનિટે 14 મે 2025 ના રોજ સ્પીયર કોર્પ્સ હેઠળ એક ઓપરેશન શરૂ કર્યું."તેમણે કહ્યું, "ઓપરેશન દરમિયાન, શંકાસ્પદ આતંકવાદીઓએ સૈનિકો પર ગોળીબાર કર્યો, જેના જવાબમાં સૈનિકોએ તરત જ નિયંત્રિત અને સંતુલિત રીતે જવાબી કાર્યવાહી કરી.
ગોળીબારમાં 10 આતંકવાદીઓ માર્યા ગયા અને મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો."મણિપુરમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે સુરક્ષા દળો દ્વારા આ કાર્યવાહીને મોટી સફળતા માનવામાં આવી રહી છે. સેનાના પૂર્વીય કમાન્ડ અનુસાર, આ ઓપરેશન હજુ પણ ચાલુ છે.ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કેન્દ્ર સરકારે ભારત અને મ્યાનમાર વચ્ચેની 1,610 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ પર સરહદી વાડ અને રસ્તાઓના નિર્માણને મંજૂરી આપી હતી. મણિપુરમાં ઘુસણખોરોને રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો હતો.
જો સરકારી સૂત્રોનું માનીએ તો, પડોશી દેશ મ્યાનમારથી ઘૂસણખોરો મણિપુરમાં પ્રવેશ કરી રહ્યા છે. આ માટે, ભારત સરકારે હવે ભારત-મ્યાનમાર સરહદ પર મુક્ત અવરજવર વ્યવસ્થાનો અંત લાવી દીધો છે.માહિતી અનુસાર, સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ ભારત અને મ્યાનમાર વચ્ચેની ૧૬૧૦ કિમી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ પર આશરે ૩૧ હજાર કરોડ રૂપિયાના ખર્ચે વાડ અને સરહદી રસ્તાઓના નિર્માણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.