ભારતીય વાયુસેનાનું ઐતિહાસિક મિગ-21 બાયસન 26 સપ્ટેમ્બરે ભરશે અંતિમ ઉડાન
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાનું સૌથી જૂનું અને ગૌરવશાળી લડાકુ વિમાન મિગ-21 બાયસન હવે ઇતિહાસ બનવા જઈ રહ્યું છે. આવતી 26 સપ્ટેમ્બરે ચંદીગઢ એરબેસ પરથી આ વિમાન તેની અંતિમ ઉડાન ભરશે. આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે વાયુસેનાએ વિશેષ આયોજન કર્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ વિદાય સમારોહમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ તેમજ વાયુસેનાના અનેક નિવૃત્ત પાઇલટ્સ હાજર રહેશે.
મિગ-21ને વિદાય આપવા તેને ખાસ 1960ના દાયકાની શૈલીમાં ઉડાડવામાં આવશે. પાઇલટ્સ દ્વારા બેસ એર ડિફેન્સ સેન્ટર (BADC) ની કોમ્બેટ ડ્રિલનું પુનરાવર્તન કરવામાં આવશે. જેમાં મિગ-21 આકાશમાં ગશ્ત કરશે અને ગ્રાઉન્ડ કન્ટ્રોલમાંથી મળતા સંદેશાઓના આધારે દુશ્મન વિમાનને રોકવાની ઝાંખી રજૂ કરશે. આ દ્રશ્ય મિગ-21ના સુવર્ણ યુગની યાદોને તાજી કરશે.
ફ્લાયપાસ્ટ દરમિયાન મિગ-21ને વિદાય આપવા માટે તેને સ્વદેશી એલસીએ તેજસ લડાકુ વિમાન એસ્કોર્ટ કરશે. બંને વિમાન વિંગ ફોર્મેશનમાં ઉડીને મુખ્ય મહેમાનો સમક્ષ પહોંચશે. ત્યારબાદ મિગ-21 અંતિમવાર ઊંચાઈએ ઉડીને આકાશને વિદાય આપશે. સમારોહ દરમિયાન પાઇલટ તેમના સ્ક્વોડ્રનનું પ્રતીક સ્વરૂપ ચાવી રક્ષામંત્રીને સોંપશે.
હાલ ભારતીય વાયુસેના 42 સ્ક્વોડ્રનની જરૂરિયાત સામે ફક્ત 31 સ્ક્વોડ્રન પર કાર્યરત છે. મિગ-21ની બે સ્ક્વોડ્રન દૂર થવાથી આ સંખ્યા ઘટીને 29 થશે, જે અત્યાર સુધીની સૌથી ઓછી હશે. આ ખામી પૂર્ણ કરવા માટે એલસીએ તેજસ માર્ક-1એને સક્રિય કરવામાં આવશે.
મિગ-21 બાયસનની નંબર 3 સ્ક્વોડ્રન કોબરા અને નંબર 23 સ્ક્વોડ્રન પૅન્થર્સની નંબર પ્લેટિંગ થવાની છે. હવે આ સ્ક્વોડ્રનની પરંપરા તેજસ સાથે જોડાશે. ખાસ વાત એ છે કે મિગ-21ને બાયસનમાં અપગ્રેડ કરવાની શરૂઆત પણ નંબર 3 સ્ક્વોડ્રનથી થઈ હતી અને હવે તેજસ માર્ક-1એ સૌથી પહેલા આ જ સ્ક્વોડ્રનમાં સામેલ થવાનું છે.