ભારતીય વાયુસેનાને મળશે બે તેજસ-માર્ક 1A લડાકૂ વિમાન, બીકાનેર એરબેસ પર થશે તૈનાત
નવી દિલ્હી : ભારતીય વાયુસેનાને આવતા મહિને, એટલે કે ઓક્ટોબર 2025માં, બે તેજસ-માર્ક 1A લડાકૂ વિમાન મળશે. હિંદુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ (HAL)ના સૂત્રો અનુસાર, વિમાનોની ડિલિવરી માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. જોકે, આ ડિલિવરી લગભગ બે વર્ષના વિલંબ બાદ થઈ રહી છે. HALના અધિકારીઓએ જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનામાં તેજસ Mk-1Aના અનેક ફાયરિંગ ટેસ્ટ હાથ ધરાશે. તેમાં અસ્ત્રા બિયૉન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઇલ, ASRAM શોર્ટ રેન્જ મિસાઇલ અને લેસર ગાઈડેડ બૉમ્બના પરીક્ષણો સામેલ રહેશે. પરીક્ષણો સફળ થતાં જ તેજસ-માર્ક 1A વાયુસેનાને સોંપાશે. અગાઉના પરીક્ષણોમાં એક વખત સફળતા અને એક વખત નિષ્ફળતા મળી હતી, જેના બાદ જરૂરી સોફ્ટવેર સુધારા કરવામાં આવ્યા હતા.
અમેરિકાની કંપની GE માર્ચ 2026 સુધીમાં 10 એન્જિન અને ડિસેમ્બર 2026 સુધીમાં વધુ 20 એન્જિન ઉપલબ્ધ કરાવશે. તેના કારણે આવનારા મહિનાઓમાં વાયુસેનાને તેજસ વિમાનોની ડિલિવરીમાં ગતિ મળશે. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એ.પી. સિંહ પહેલાથી જ કહી ચૂક્યા છે કે ફાઇટર સ્ક્વૉડ્રનની અછત ગંભીર છે. વાયુસેનાને 42 સ્ક્વૉડ્રન હોવી જોઈએ, પરંતુ હાલ સંખ્યા ઘટીને 31 રહી ગઈ છે. 26 સપ્ટેમ્બરે મિગ-21ની બે સ્ક્વૉડ્રન નિવૃત્ત થશે, ત્યારબાદ આ સંખ્યા ઘટીને 29 પર આવશે. પાકિસ્તાન અને ચીન સામેની સંભવિત દ્વિ-મોરચા યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને 42 સ્ક્વૉડ્રનની જરૂરિયાત નક્કી કરવામાં આવી છે. તેજસ-માર્ક 1Aની પ્રથમ તૈનાતી બીકાનેર એરબેસ પર થશે. અહીં કોબરા સ્ક્વૉડ્રનને ફરીથી સક્રિય કરવામાં આવશે, જે અત્યાર સુધી મિગ-21 બાઇસન સંચાલિત કરતી હતી. તેજસ મળ્યા બાદ કોબરા સ્ક્વૉડ્રન ભારતીય વાયુસેનાની આધુનિક શક્તિનું નવું પ્રતિક બનશે.