ભારત બનશે ‘ડિજિટલ ડાયમંડ’નું કેન્દ્ર : નરેન્દ્ર મોદી
નવી દિલ્હી: દિલ્હી સ્થિત યશોભૂમિ (ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર) ખાતે ચાલી રહેલા સેમિકોન ઇન્ડિયા 2025ના બીજા દિવસે બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે સેમિકન્ડક્ટર ક્ષેત્રના નિષ્ણાતો સાથે ચર્ચા કરી તેમજ ટેક્નોલોજી આધારિત પ્રોજેક્ટ્સ અને પ્રોડક્ટ્સને નજીકથી નિહાળ્યા હતા. ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું હતું કે દુનિયા હવે ભારત પર વિશ્વાસ કરે છે અને સેમિકન્ડક્ટરનું ભવિષ્ય ભારત સાથે મળીને ઘડવા માંગે છે. તેમણે ચિપ્સને 21મી સદીનો “ડિજિટલ ડાયમંડ ગણાવ્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વૈશ્વિક સેમિકન્ડક્ટર બજાર પહેલેથી જ 600 અબજ ડૉલરનું થઈ ગયું છે અને આવતા વર્ષોમાં તે 1 ટ્રિલિયન ડૉલરને પાર કરશે. તેમનો વિશ્વાસ છે કે ભારત જે ઝડપથી આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે, તેમાં આ 1 ટ્રિલિયન ડૉલર માર્કેટનો મોટો હિસ્સો ભારત પાસે આવશે.
પીએમ મોદીએ યાદ અપાવ્યું કે 2021માં સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામની શરૂઆત થઈ હતી. 2023માં ભારતનો પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ મંજૂર થયો, 2024માં અનેક નવા પ્રોજેક્ટ્સને મંજૂરી મળી અને 2025માં 5 નવા પ્રોજેક્ટ્સને લીલી ઝંડી મળી હતી. હાલમાં દેશમાં 10 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે, જેમાં 18 અબજ ડૉલર (1.5 લાખ કરોડ રૂપિયા)થી વધુનું રોકાણ થઈ રહ્યું છે.
પીએમ મોદીએ જણાવ્યું કે સરકારનું ફોકસ ફાઇલથી ફેક્ટરી સુધીનો સમય ઘટાડવો છે. આ માટે નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ અમલમાં મૂકાઈ છે, જેનાથી રોકાણકારોને કેન્દ્ર અને રાજ્યની તમામ મંજૂરીઓ એક જ પ્લેટફોર્મ પર મળી જાય છે. આ પગલાથી ઉદ્યોગકારોને કાગદોપત્રની ઝંઝટમાંથી રાહત મળી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દેશભરમાં સેમિકન્ડક્ટર પાર્ક્સ વિકસાવવામાં આવી રહ્યા છે. પ્લગ-એન્ડ-પ્લે મોડલ પર તૈયાર થતા આ પાર્ક્સમાં જમીન, વીજળી, બંદર અને એરપોર્ટ કનેક્ટિવિટી ઉપરાંત કુશળ માનવશક્તિની સુલભ ઉપલબ્ધિ જેવી તમામ સુવિધાઓ મળશે.
તેમણે વધુમાં કહ્યું કે જ્યારે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે PLI પ્રોત્સાહન અને ડિઝાઇન-લિંકડ ગ્રાન્ટ જેવી નીતિઓ જોડાય છે ત્યારે ઔદ્યોગિક વિકાસ આપોઆપ થાય છે. આ જ કારણ છે કે ભારતમાં સતત વિદેશી રોકાણ વધી રહ્યું છે અને દેશ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનવા તરફ આગળ વધી રહ્યો છે.