ભારત 2028 સુધીમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે: PM સ્ટાર્મર
મુંબઈઃ બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર બે દિવસીય ભારત પ્રવાસે મુંબઈ પહોંચ્યા છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ સ્ટાર્મર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. તેમણે કહ્યું કે ભારત 2028 સુધીમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે.
પીએમ કીર સ્ટાર્મર બ્રિટનના 125 સૌથી અગ્રણી સીઈઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, યુનિવર્સિટીના કુલપતિઓ અને સાંસ્કૃતિક સંસ્થાઓના અધિકારીઓ સાથે ભારત આવ્યા છે.ભારતના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બંને નેતાઓ ભારત-બ્રિટન વ્યાપક આર્થિક અને વેપાર સમજૂતી (CETA) દ્વારા રજૂ કરવામાં આવેલી તકો પર વ્યવસાયો અને ઉદ્યોગ જગતના નેતાઓ સાથે ચર્ચા કરશે.
આ દરમિયાન, બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે કહ્યું કે ભારત 2028 સુધીમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર છે અને તેની સાથે વેપાર ઝડપી અને સસ્તો થવાનો છે. એવામાં, તકોનો કોઈ મુકાબલો નથી. તેમણે કહ્યું કે અમે જુલાઈમાં ભારત સાથે એક મોટો વેપાર કરાર કર્યો. આ કોઈ પણ દેશ દ્વારા કરવામાં આવેલો સૌથી સુરક્ષિત કરાર છે, પરંતુ વાત અહીં પૂરી થતી નથી. આ માત્ર કાગળનો એક ટુકડો નથી; આ વિકાસ માટેનું એક લોન્ચપેડ છે.
આ પહેલાં પ્રધાનમંત્રી સ્ટાર્મરે કહ્યું, "હું આ સપ્તાહે મુંબઈમાં અમારા 125 સૌથી મોટા સ્થાનિક નામો સાથે બ્રિટિશ વ્યવસાયનો ઝંડો લહેરાવીશ. તેમના માટે ભારતમાં વિકાસનો અર્થ છે બ્રિટિશ લોકો માટે ઘેર બેઠા વધુ વિકલ્પો, તકો અને નોકરીઓ."
ભારતની યાત્રા શરૂ કરતા પહેલા પીએમ સ્ટાર્મરે કોઈપણ પ્રકારના વિઝા કરારનો ઇનકાર કરતા કહ્યું, "આ યોજનાનો ભાગ નથી. આ યાત્રા એ મુક્ત વેપાર કરારનો લાભ લેવા માટે છે, જેના પર અમે પહેલાથી જ હસ્તાક્ષર કરી ચૂક્યા છીએ." તેમણે કહ્યું કે વ્યવસાયોને આ કરારથી ફાયદો થઈ રહ્યો છે; વિઝા મુદ્દો નથી. બ્રિટનની ઇમિગ્રેશન નીતિઓ સખત રહેશે.