ભારત ગયાનામાં 'જન ઔષધિ કેન્દ્ર' સ્થાપશે: નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે ભારત કેરેબિયન દેશમાં તેની ફાર્મા નિકાસ વધારવા માંગે છે. આ દિશામાં ભારત ત્યાં 'જન ઔષધિ કેન્દ્ર' સ્થાપિત કરવાની પણ યોજના બનાવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, ભારત અને ગયાના બંને વૈશ્વિક સંસ્થાઓના સુધારા માટે તેમના પ્રયાસોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. ગયાના રાષ્ટ્રપતિ ઈરફાન અલી સાથે કેરેબિયન ગાર્ડન સિટી જ્યોર્જટાઉનમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વાત કહી.
ભારત અને ગુયાના વચ્ચે 10 કરારો પર હસ્તાક્ષર થયા
ઉલ્લેખનીય છે કે ભારત અને ગયાનાએ આરોગ્ય, હાઈડ્રોકાર્બન, કૃષિ અને સંલગ્ન બાબતો સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે દસ કરારો પર હસ્તાક્ષર કર્યા છે. તબીબી ઉત્પાદનો, જન ઔષધિ યોજના, સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ, ગયાનામાં UPI સિસ્ટમના અમલીકરણ અને પ્રસાર ભારતી અને ગયાનાના નેશનલ કોમ્યુનિકેશન નેટવર્ક વચ્ચે પ્રસારણ ક્ષેત્રે સહકાર પર એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નેશનલ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ, ગયાના અને નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી, ગુજરાત વચ્ચે પણ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ગઈકાલે સાંજે જ્યોર્જટાઉનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગયાના પ્રમુખ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત બાદ બંને દેશો વચ્ચે કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
બંને દેશો વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની જરૂરિયાત પર સહમત છે
સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંરક્ષણ, ખાદ્ય સુરક્ષા અને ઉર્જા સુરક્ષાના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેના સહયોગ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે ભારત અને ગયાના બંને વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની જરૂરિયાત પર સહમત છે. તેમણે વધુમાં કહ્યું કે “અમે અમારા સંબંધોને મજબૂત કરવા માટે ઘણી નવી પહેલો ઓળખી છે. ભારતે ગયાનામાં કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અમે ગયા વર્ષે બાજરી આપીને ખાદ્ય સુરક્ષામાં યોગદાન આપ્યું છે. ભારત અન્ય પાકોની ખેતીમાં મદદ કરવાનું ચાલુ રાખશે. કૃષિ સંબંધિત આજે થયેલા એમઓયુ અમારા પ્રયાસોને વધુ મજબૂત બનાવશે. તેમજ પીએમ મોદીએ કહ્યું કે ભારત કેરેબિયન દેશમાં તેની ફાર્મા નિકાસ વધારશે. આ દિશામાં અમે અહીં 'જન ઔષધિ કેન્દ્ર' સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યા છીએ.
ગયાના ભારતની ઉર્જા સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવશે
હરિયાળા અને ટકાઉ ભવિષ્ય માટે ભારતના વિઝનને હાઈલાઈટ કરતા પીએમ મોદીએ કહ્યું કે ઉર્જા ક્ષેત્રમાં નવી શક્યતાઓને ધ્યાનમાં લઈને અમે કુદરતી ભાગીદાર તરીકે આગળ વધીશું. અમને આશા છે કે ગયાના ભારતની ઉર્જા સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ સંદર્ભમાં, લાંબા ગાળાની ભાગીદારી માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવશે. મોદીએ એમ પણ કહ્યું હતું કે ગયાનાના માળખાકીય વિકાસમાં ભારત એક વિશ્વસનીય ભાગીદાર તરીકે યોગદાન આપી રહ્યું છે. તેઓ ખુશ છે કે અમારા પ્રયાસોથી ઈસ્ટ બેંક ઈસ્ટ કોસ્ટ રોડ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ થવાનો છે.
ભારતીય પેસેન્જર અને કાર્ગો ફેરી ગયાનાના વિવિધ વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારે છે
ગયા વર્ષે ભારત દ્વારા પૂરા પાડવામાં આવેલ પેસેન્જર અને કાર્ગો ફેરીઓએ ગયાનાના વિવિધ વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારી છે. ટેકનોલોજીમાં સહકાર વધારીને અમે અમારા સંબંધોને ભવિષ્યની દિશા આપી રહ્યા છીએ. ભારતનું ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ઈન્ડિયા સ્ટેક જાહેર સેવા વિતરણમાં ક્રાંતિ લાવવા જઈ રહ્યું છે. આ ઉપરાંત, સુશાસન અને પારદર્શિતા વધારવા માટે તે એક અસરકારક માધ્યમ પણ છે. ટેક્નોલોજી દ્વારા જન કલ્યાણ સુનિશ્ચિત કરવાના અમારા અનુભવ અમે ગયાના સાથે શેર કરીશું.
ભારત અને ગુયાના વચ્ચેના ઐતિહાસિક સંબંધો
આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ભવ્ય સ્વાગત માટે રાષ્ટ્રપતિ ઈરફાન અલીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે 56 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાનની ગુયાનાની મુલાકાત આપણા સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. પીએમ મોદીએ કહ્યું કે મારો અંગત રીતે ગયાના સાથે ગાઢ સંબંધ છે. લગભગ 24 વર્ષ પહેલા તેમને એક સામાન્ય નાગરિક તરીકે અહીં આવવાની તક મળી હતી. તે સમયે તેમણે ભારત અને ગુયાના વચ્ચેના સંબંધો કેટલા ઐતિહાસિક અને ઊંડા છે તેની ઝલક જોઈ હતી. આજે ફરી એકવાર વડાપ્રધાન તરીકે અહીં આવવું તેમના માટે સૌભાગ્યની વાત છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ઈરફાન અલીનું ભારત સાથે ખાસ અને અતૂટ બંધન છે. ગયા વર્ષે તેમણે પ્રવાસી ભારતીય દિવસના મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. તેમની મુલાકાત દરેક ક્ષેત્રમાં અમારા સહયોગને નવી ઊંચાઈએ લઈ જવા માટે પ્રેરણારૂપ હતી. આ સકારાત્મક ભાવના સાથે આગળ વધીને, અમે અમારી પરસ્પર ફાયદાકારક ભાગીદારી બનાવી રહ્યા છીએ.