ભારતે લાંબા અંતરની મિસાઈલનું પરીક્ષણ ટાળ્યું, ચીન-અમેરિકાના જાસુસી જહાજ હિંદ મહાસાગરમાં હાજર
નવી દિલ્હીઃ ભારત તા. 15થી 17 ઓક્ટોબર વચ્ચે બંગાળની ખાડીમાં લાંબા અંતરની મિસાઈલનું પરીક્ષણ કરવાનું હતું. જો કે, તેને રદ કરવામાં આવ્યાનું જાણવા મળે છે. ભારતે 3550 કિમીના વિસ્તારમાં નો ફ્લાઈંગ ઝોન જાહેર કર્યો હતો. જેથી અમેરિકા અને ચીને પોતાના જાસુસી જહાજ હિંદ મહાસાગરમાં મોકલ્યાં હતા. ભારત સરકારે નોટમ જાહેર કરીને ચેતવણી આપી હતી. ભારતે હજુ સુધી સ્પષ્ટ નથી કર્યું કે, કંઈ મિલાઈલનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જો કે, જાણકારોના મતે અગ્નિ સીરિઝની મિસાઈલનું પરીક્ષણ હોઈ શકે છે જે પરમાણુ હુમલા માટે પણ સક્ષમ છે.
ભારતે નોટમ જાહેર કરીને 72 કલાકમાં જ 3 વાર રેન્જ વધારી હતી. પહેલા 1489 કિમી, પછી 2520 અને છેલ્લે 3550 કિમી કરવામાં આવી હતી. જેથી એવુ માનવામાં આવતું હતું કે, એવી મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું જેની રેન્જનો પહેલાથી કોઈ અંદાજ નથી. ભારત પાસે અગ્નિ મિસાઈલની રેન્જ 700થી 5 હજાર કિમી છે. તાજેતરમાં જ ભારતે 2000 કિમી રેન્જની અગ્નિ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. ભારતના નોટમને પગલે અમેરિકા અને ચીન હરકતમાં આવ્યું હતું. તેમજ બંનેના જાસુસી જહાજ હિંદ મહાસાગરમાં ભારતના પરીક્ષણ સ્થળ નજીક પહોંચી ગયા હતા. જાણકારોના મતે આવા જહાજ સામાન્ય રીતે મિસાઈલ પરીક્ષણના ડેટા એકત્ર કરે છે તેમજ પ્રદર્શનનું આંકલન કરે છે. ભારતની અગ્નિ સીરીઝ મિસાઈલ ચાઈના કિલર નામથી ઓળખાય છે. અમેરિકા અને ચીનના જાસુસી જહાજ હજુ હિંદ મહાસાગરમાં ઉપસ્થિત છે.
(Photo - File)