રિન્યુએબલ એનર્જીમાં વિશ્વસ્તરે ભારત ત્રીજું સ્થાન ધરાવે છેઃ પ્રહલાદ જોશી
સુરતઃ સુરતના કોસંબા ખાતે આવેલા ગોલ્ડી સોલાર પ્લાન્ટમાં આજે કેન્દ્રીય નવી અને નવીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશીએ AI-આધારિત નવી પીવી મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ લાઈનનું ઉદઘાટન કર્યુ હતું.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સોલાર એનર્જી દ્વારા 200 ગીગાવોટના ઉત્પાદનના વિઝનને સાકાર કરવા માટે મંત્રાલય કાર્યરત છે. એ માટે સરકાર મેક ઈન ઈન્ડિયા નીતિ દ્વારા વિવિધ ઉત્પાદકોને પ્રોત્સાહન આપી રહી છે. તેમજ પીએમ સૂર્યઘર યોજના, પીએમ કુસુમ જેવી વિવિધ યોજનાઓ દ્વારા લોકોને માત્ર વપરાશકર્તા જ નહીં પરંતુ ઉત્પાદક બનવા માટે તમામ પ્રકારનું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ભારત આજે રિન્યુએબલ એનર્જીમાં વિશ્વસ્તરે ભારત ત્રીજું સ્થાન ધરાવે છે. તેમજ 2030 સુધીમાં 100 ગીગાવોટ ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
પોતાની મુલાકાત દરમિયાન પ્રહલાદ જોશીએ પ્લાન્ટમાં AI પાવર ક્વોલિટી કંટ્રોલ, હાઈસ્પીડ સ્ટ્રીંગર્સ અને રોબોટ્સની કામગીરી નિહાળી હતી. ભારતીય કંપની સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં અગ્રેસર હોવાનું જાણી ખુશી વ્યક્ત કરી હતી. ગોલ્ડી સોલારમાં નારી શક્તિને પ્રોત્સાહન આપવા માટે મહિલાઓ માટે સમર્પિત એક વિભાગની કામગીરી અને 14 ગીગાવોટનું ઉત્પાદન થતું જાણીને મંત્રીએ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમજ આગામી 3 વર્ષમાં તેમનું ઉત્પાદન 40-50 ગીગાવોટ સુધી પહોંચે એવી શુભેચ્છા પાઠવી હતી.
ગોલ્ડી સોલારે દક્ષિણ ગુજરાતના પીપોદરા, નવસારી, કોસંબા અને સચિનમાં તેની તમામ સુવિધાઓમાં અત્યાધુનિક, AI-આધારિત, ઉચ્ચ-પ્રદર્શન ઉત્પાદન તકનીકમાં નોંધપાત્ર પ્રમાણમાં મૂડી રોકાણ કર્યું છે.