ભારત ઓઈલ-ગેસની ખરીદી દેશવાસીઓના હિતોને ધ્યાનમાં રાખીને કરે છે, ટ્રમ્પને ભારતનો સણસણતો જવાબ
- ટ્રમ્પે પીએમ મોદીને લઈને કરેલા દાવાનું ભારતે કર્યું ખંડન
- અમેરિકાએ પણ ભારત સાથે ઉર્જા સહયોગ મજબુત બનાવવા રસ દાખવ્યોઃ ભારત
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે, હવે ભારત રશિયા પાસેથી ઓઈલની ખરીદી નહીં કરે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાતરી પણ આવી છે. ટ્રમ્પના આ દાવાનું ખંડન કરતા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ભારત તેલ અને ગેસની આયાત દેશની જનતાના હિતોને ધ્યાનમાં રાખીને કરે છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જ્યસ્વાલએ જણાવ્યું હતું કે, ભારત તેલ અને ગેસનો મુખ્ય આયાતક છે. અસ્થિર ઉર્જા પરિદ્રશ્યમાં ભારતીય ઉપભોક્તાઓના હિતોની રક્ષા કરવાની અમારી પ્રાથમિકતા રહી છે. અમારી આયાત નિતી સંપૂર્ણ રીતે તેની ઉપર આધારિત છે. સ્થિત ઉર્જા કિંમતો અને સુરક્ષિત આપૂર્તિને સુનિશ્ચિત કરવી અમારી ઉર્જા નિતીઓના બે મુખ્ય લક્ષ્ય છે. જેને ધ્યાનમાં રાખીને અમે ઉર્જા સ્ત્રોતોનો વિસ્તાર કરી રહ્યાં છે અને બજારને ધ્યાનમાં રાખીને કેટલાક ફેરફાર પણ કરી રહ્યાં છીએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે કેટલાક વર્ષોથી અમારી ઉર્જા ખરીદીને વધારવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ પ્રક્રિયા લગભગ 10 વર્ષથી સતત આગળ વધી રહી છે. અમેરિકાની સરકારને ભારત સાથે ઉર્જા સહયોગને મજબુત કરવા માટે રસ દાખવ્યો છે. જેને લઈને વાતચીત ચાલી રહી છે.
ભારત રશિયા પાસેથી ઓઈલની ખરીદી કરે છે તે ટ્રમ્પને પસંદ નથી. જેને લઈને જ અમેરિકાએ ભારત ઉપર 50 ટકા ટેરિફ લગાવ્યો છે. પરંતુ બુધવારે ટ્રમ્પે ચોંકાવનારો દાવો કર્યો હતો કે, પીએમ મોદીએ ખાતરી આપી છે કે, હવે ભારત રશિયા પાસેથી ઓઈલની ખરીદી નહીં. જો કે, અગાઉ ભારતે અનેકવાર સ્પષ્ટ કહ્યું છે કે, ભારત રશિયા પાસેથી ઓઈલની ખરીદી પોતાના દેશની જનતાના હિતોને ધ્યાનમાં રાખીને કરે છે.