ભારતઃ 3 મહિનામાં લક્ઝરી ઘરોના વેચાણમાં 28 ટકાનો વધારો
આ વર્ષે જાન્યુઆરી-માર્ચના સમયગાળા દરમિયાન ભારતના ટોચના સાત શહેરોમાં લક્ઝરી હાઉસિંગ સેગમેન્ટમાં વેચાણમાં વાર્ષિક ધોરણે 28 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ માહિતી એક અહેવાલમાં આપવામાં આવી હતી. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ CBRE સાઉથ એશિયાએ અહેવાલ આપ્યો છે કે, 2025ના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં લક્ઝરી સેગમેન્ટમાં 4 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 1,930 યુનિટ વેચાયા હતા.
દેશના ટોચના સાત શહેરોમાં, દિલ્હી NCRમાં સૌથી વધુ 950 લક્ઝરી ઘરો વેચાયા. આ પછી મુંબઈ આવે છે, જે કુલ વેચાણમાં લગભગ 23 ટકા હિસ્સો ધરાવે છે. દક્ષિણ ભારતીય શહેરોમાં, બેંગલુરુમાં લક્ઝરી ઘરોના વેચાણમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો. 2025ના જાન્યુઆરી-માર્ચ સમયગાળામાં શહેરમાં કુલ 190 લક્ઝરી ઘરો વેચાયા હતા. 2024ના સમાન સમયગાળામાં આ આંકડો 20 યુનિટ હતો. તે જ સમયે, કુલ લક્ઝરી સેગમેન્ટમાં કોલકાતા અને ચેન્નાઈનો હિસ્સો 5 ટકા હતો.
અહેવાલ મુજબ, કુલ વેચાણમાં હાઇ-એન્ડ સેગમેન્ટનો હિસ્સો 27 ટકા હતો અને મિડ-એન્ડ સેગમેન્ટનો હિસ્સો 25 ટકા હતો. CBREમાં ભારત, દક્ષિણ-પૂર્વ એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકાના ચેરમેન અને CEO અંશુમન મેગઝિને કહ્યું હતું કે, વધતી જતી ડિસ્પોઝેબલ આવક, જીવનશૈલીમાં સુધારો અને ભવિષ્ય માટે તૈયાર રહેવાની જગ્યાઓની ઇચ્છાને કારણે લક્ઝરી અને ઉચ્ચ-સ્તરીય ક્ષેત્રોમાં વૃદ્ધિ ચાલુ છે. મુખ્ય શહેરોમાં મકાનોની માગને ટેકો આપતી માળખાગત સુવિધાઓમાં સુધારો અને ભંડોળની ઉપલબ્ધતા હોવાથી રહેણાંક માગ સ્થિર રહેવાની અમને અપેક્ષા છે. રેપોરેટમાં તાજેતરના ઘટાડાથી ખરીદીમાં સુધારો થઈ શકે છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઘરોની વધતી માગ, વધતી આવક અને માળખાગત સુવિધાઓમાં સુધારો થવાને કારણે ભારતનું રહેણાંક બજાર 2025માં સ્થિર રહી શકે છે. RBI દ્વારા રેપોરેટમાં કાપ મૂકવાથી EMI અને ભાડા વચ્ચેનો તફાવત ઓછો થશે. આનાથી ઘરોની માગમાં વધારો થશે. વર્ષ 2023-24 દરમિયાન પૂરતા પ્રમાણમાં જમીન સંપાદનને કારણે, નવા પ્રોજેક્ટ લોન્ચ વર્ષ દરમિયાન ઉચ્ચ સ્તરે રહેવાની અપેક્ષા છે.