ભારતે એક વર્ષમાં 1681 એન્જિનોનું ઉત્પાદન કરીને અમેરિકા અને યુરોપને પાછળ છોડ્યું
નવી દિલ્હીઃ ભારતે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એક હજાર 681 એન્જિનોનું ઉત્પાદન કરીને અમેરિકા અને યુરોપને પાછળ છોડી દીધું છે. રેલવે મંત્રાલયે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અગાઉના નાણાકીય વર્ષમાં ઉત્પાદિત એક હજાર 472 એન્જિનની સરખામણીએ આ વર્ષે 19 ટકાનો વધારો નોંધાયો છે.
ભારતીય રેલ્વેએ પર્યાવરણીય સંરક્ષણ અને નવીનીકરણીય ઉર્જાને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ફેબ્રુઆરી 2025 સુધીમાં, રેલ્વે સ્ટેશનો અને સેવા ઇમારતો પર 2,249 સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી.
છેલ્લા પાંચ વર્ષમાં, રેલવેએ 1,489 સૌર એકમો સ્થાપિત કર્યા છે, જે પાછલા પાંચ વર્ષમાં સ્થાપિત 628 એકમો કરતા 2.3 ગણા વધુ છે. રાજસ્થાન આ પહેલમાં અગ્રેસર છે, જ્યાં અત્યાર સુધીમાં 275 સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે કોઈપણ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં સૌથી વધુ છે.