શુભાંશુ શુક્લાની સિદ્ધિઓ ઉપર ભારતને ગર્વઃ પીએમ મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવકાશયાત્રી અને વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને મળ્યા હતા. આ મુલાકાત આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) થી સફળ વાપસી બાદ થઈ હતી. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ શુક્લાને તેમની ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમના અવકાશ અનુભવ, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતની પ્રગતિ અને મહત્વાકાંક્ષી 'ગગનયાન' મિશન વિશે ચર્ચા કરી હતી. મુલાકાત પછી, પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું હતું કે ભારત શુક્લાની સિદ્ધિઓ પર ગર્વ અનુભવે છે.
શુભાંશુ શુક્લાએ નાસાના એક્સિઓમ-4 મિશનમાં પાઇલટ તરીકે ભાગ લીધો હતો. આ મિશન 25 જૂને અમેરિકાના ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. શુક્લા 15 જુલાઈએ પૃથ્વી પર પાછા ફર્યા અને કેલિફોર્નિયા કિનારા નજીક સમુદ્રમાં ઉતર્યા હતા. આ સાથે, તેઓ 41 વર્ષ પછી અવકાશમાં જનારા પ્રથમ ભારતીય બન્યા હતા. તેઓ ગયા રવિવારે વહેલી સવારે નવી દિલ્હી પહોંચ્યા હતા.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદમાં શુક્લાની સફળતાને સમગ્ર દેશ માટે ગર્વની વાત ગણાવી હતી. તેમણે કહ્યું કે આ સિદ્ધિ ફક્ત એક મિશનની સફળતા નથી, પરંતુ ભારતના 'વિકસિત ભારત 2047' લક્ષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે પણ શુક્લાની સિદ્ધિની પ્રશંસા કરી અને કહ્યું કે આ મિશન ભારતના મહત્વાકાંક્ષી ગગનયાન કાર્યક્રમ માટે એક મજબૂત પાયો છે અને તેનાથી દેશવાસીઓનો આત્મવિશ્વાસ વધુ વધ્યો છે. અવકાશયાત્રી શુમ્ભાશુ શુક્લાનું આ મિશન વૈશ્વિક સ્તરે ભારતની અવકાશ ક્ષમતાઓને નવી ઓળખ આપે છે અને આવનારી પેઢીઓ માટે પ્રેરણાનો મોટો સ્ત્રોત છે.