ભારત એક વિશ્વસનીય અર્થતંત્ર અને અસ્થિર વિશ્વમાં સ્થિર આધાર બનવાના સાચા માર્ગ પર છેઃ ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે ભારત એક વિશ્વસનીય અર્થતંત્ર, વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં વિશ્વસનીય ભાગીદાર અને અસ્થિર વિશ્વમાં સ્થિર આધાર બનવાના સાચા માર્ગ પર છે.
નવી દિલ્હીમાં CII-ITC સસ્ટેનેબિલિટી એવોર્ડ સમારોહને સંબોધતા, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે જ્યારે વિશ્વ અશાંતિના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે અને વૈશ્વિક પરિસ્થિતિમાં સુધારાના કોઈ સંકેતો દેખાતા નથી, ત્યારે ભારત એક અગ્રણી અવાજ છે. ભારતના ટકાઉ વિકાસના અધિકારો પર ભાર મૂકતા, તેમણે ભારતીય ઉદ્યોગોને નવીનીકરણીય ઉર્જા, ગ્રીન હાઇડ્રોજન, સરકુયુલર અર્થતંત્ર મોડેલ અને કાર્બન બજારોમાં રોકાણ કરીને હરિત ક્રાંતિના પ્રણેતા બનવા હાકલ કરી. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત સરકાર-કેન્દ્રિત અભિગમથી એક સર્વાંગી સામાજિક માળખા તરફ આગળ વધી રહ્યું. સરકાર ઘણા નવીન પગલાં લઈ રહી છે, તેમ છતાં ઉદ્યોગે અસરકારક પરિવર્તન લાવવા માટે આગળ આવવું પડશે. તેમણે ઉદ્યોગોને શૈક્ષણિક સંસ્થાઓ, તાલીમ સંસ્થાઓ અને સરકાર સાથે મળીને અભ્યાસક્રમો વિકસાવવા અને તેમની વૈશ્વિક હાજરીને વિસ્તૃત કરવા માટે કામ કરવા હાકલ કરી. ધનખડે ગુણવત્તા, વિશ્વાસ, નવીનતા અને આધુનિક સુસંગતતા માટે પ્રાચીન જ્ઞાન પર ‘બ્રાન્ડ ઇન્ડિયા’ બનાવવાનું પણ આહ્વાન કર્યું.