ભારત આધુનિક દરિયાઈ ક્રાન્તિ તરફ વધી રહ્યું છે: કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ
નવી દિલ્હીઃ કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ભારપૂર્વક જણાવ્યું કે, બંદરો અને પરિવહનના વિવિધ સંશાધનોના વિકાસ અને મૈત્રી જેવા ડિજિટલ મંચની સાથે ભારત આધુનિક દરિયાઈ ક્રાન્તિ તરફ વધી રહ્યું છે. નવી દિલ્હીમાં ગઈકાલે ભારત-મધ્ય, પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર- I.M.E.C. સંમેલન 2025માં સોનોવાલે કહ્યું, ભારત-મધ્ય, પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર વૈશ્વિક સંપર્ક મામલે બાજી પલટી દેશે. તેમણે કહ્યું, લાંબા ગાળાના અને સુરક્ષિત વેપાર માર્ગો સાથે, આ કૉરિડોર ભારત, પશ્ચિમ એશિયા અને યુરોપ વચ્ચે જોડાણને મજબૂત બનાવી રહ્યો છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું, ભારત વધતું એક બજાર છે અને વિશ્વની સૌથી ઝડપથી વધતું અર્થતંત્ર પણ છે. તેમણે કહ્યું, જે દેશો સાથે યોગ્ય રીતે સમજૂતી થઈ શકે તેવા દેશ સાથે જ સરકાર વ્યાપારી સંબંધોનું વિસ્તરણ કરી રહી છે.શ્રી ગોયલે ઉમેર્યું, ન્યાય સુસંગત અને સંતુલન રીતે મુક્ત વેપાર સમજૂતી થઈ શકે તેવા દેશો સાથે સરકાર સંબંધ મજબૂત કરી રહી છે. તેમણે કહ્યું, ઑમાન અને અન્ય કેટલાક દેશો સાથે સમજૂતી પર સંવાદ ચાલી રહ્યો છે.