રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે ભારત, 2024-25માં 1.20 લાખ કરોડના સૈન્ય ઉપકરણો ખરીદાયા
નવી દિલ્હીઃ રક્ષણ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે ભારતે વર્ષ 2024-25ના અંત સુધીમાં સ્થાનિક સ્ત્રોતોમાંથી રૂ.1.20 લાખ કરોડના સૈન્ય સાધનો અને હથિયારોની ખરીદી કરી છે. તેમણે કહ્યું હતું કે દેશ રાષ્ટ્રીય સુરક્ષાથી જોડાયેલા પડકારોનો સામનો કરવા માટે આત્મનિર્ભરતાને મજબૂત બનાવવાનું સતત ધ્યાન રાખી રહ્યો છે. રાજનાથસિંહે એક કાર્યક્રમમાં કહ્યું કે સરકાર યુદ્ધના બદલાતા સ્વરૂપને, ખાસ કરીને ડ્રોન જેવી “નૉન-કૉન્ટેક્ટ વૉરફેર” (દૂરસ્થ યુદ્ધ તકનીક)ની વધતી ભૂમિકા સમજે છે અને તે દિશામાં પૂરતી તૈયારી કરી રહી છે. તેમણે ઉમેર્યું કે દેશના રક્ષણ ઉદ્યોગને મજબૂત બનાવવું સમયની જરૂરિયાત બની ગયું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે “વર્ષ 2021-22માં સ્થાનિક સ્ત્રોતોમાંથી રૂ. 74,000 કરોડના સાધનોની ખરીદી થઈ હતી, જ્યારે 2024-25ના અંત સુધીમાં આ આંકડો રૂ. 1.20 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. આ ફક્ત આંકડાનો વધારો નથી, પરંતુ માનસિકતાના પરિવર્તનનું પ્રતિબિંબ છે.” રાજનાથસિંહે કહ્યું કે મોદી સરકાર છેલ્લા દાયકાથી રક્ષણ સાધનોના સ્વદેશી ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે અનેક નીતિગત પગલાં લઈ રહી છે. હવે સૈન્ય સાધનોની ખરીદીમાં સ્થાનિક સ્ત્રોતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે।
તેમણે જણાવ્યું કે “ભારત સરકાર આધુનિક યુદ્ધની ટેકનોલોજી આધારિત સ્વરૂપથી સારી રીતે પરિચિત છે. આપણે તેનું ઉદાહરણ ‘ઓપરેશન સિંદૂર’માં જોયું, જ્યાં ડ્રોન, ડ્રોન-વિરોધી સિસ્ટમ અને એર-ડિફેન્સ જેવી દૂરસ્થ યુદ્ધ તકનીકનું મહત્વ સ્પષ્ટ રીતે સામે આવ્યું હતું.” રક્ષણ પ્રધાને 2047 સુધી ભારતમાં વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને રક્ષણ ક્ષેત્ર માટે ત્રણ મુખ્ય ઉદ્દેશ્યો રજૂ કર્યા હતા. “પ્રથમ, મહત્વપૂર્ણ રક્ષણ ક્ષમતાઓમાં આત્મનિર્ભરતા હાંસલ કરવી, બીજું, ભારતને રક્ષણ ક્ષેત્રમાં વૈશ્વિક નિકાસકાર તરીકે સ્થાપિત કરવું અને ત્રીજું, અદ્યતન રક્ષણ ટેકનોલોજીમાં પ્રગતિ કરીને ભારતને અદ્યતન સૈન્ય તકનીકી ધરાવતા દેશોની શ્રેણીમાં લાવવું”નો સમાવેશ થાય છે.