UNમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ મુદ્દે પાકિસ્તાન ઉપર ભારતે કર્યાં આકરા પ્રહાર
ન્યૂયોર્ક: ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને આહ્વાન કર્યું છે કે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સહિત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત સંગઠનો હવે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકી પ્રવૃત્તિઓ માટે ન કરી શકે તે સુનિશ્ચિત કરવામાં આવે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત પરવતનેની હરીશે બુધવારે સુરક્ષા પરિષદની બેઠકમાં સ્પષ્ટ કહ્યું કે “આંતરરાષ્ટ્રીય સમુદાયે સંકલિત પ્રયાસો કરવા જોઈએ જેથી ISIL, અલ-કાયદા, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો તથા તેમના મદદગારો અફઘાનિસ્તાનની ધરતી પરથી આતંકી પ્રવૃત્તિઓ ચલાવી ન શકે.”
હરીશે જણાવ્યું કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ઐતિહાસિક-સાંસ્કૃતિક સંબંધો છે અને ત્યાં શાંતિ તથા સ્થિરતા જાળવવામાં ભારતનો સર્વોચ્ચ હિત છે. તેમણે જણાવ્યું કે, ભારત અફઘાનિસ્તાનના મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સહકારને આવશ્યક માને છે અને તે માટે તમામ પક્ષો સાથે સતત સંવાદ કરી રહ્યું છે. રાજદૂતે સુરક્ષા પરિષદને જણાવ્યું કે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રી આમીર ખાન મત્તાકી સાથે બે વખત ચર્ચા કરી ચૂક્યા છે.
22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકી હુમલાની અફઘાનિસ્તાન તરફથી કરાયેલી કડક નિંદાનું ભારતે સ્વાગત કર્યું હતું. સાથે જ ભારતે સ્પષ્ટ કર્યું કે કોઈપણ સંઘર્ષ-પશ્ચાત પરિસ્થિતિમાં અસરકારક નીતિ માટે સકારાત્મક વર્તનને પ્રોત્સાહિત કરવું અને હાનિકારક પ્રવૃત્તિઓને રોકવી આવશ્યક છે.