For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના ભારતે વિઝા લંબાવ્યાં

02:20 PM Jan 08, 2025 IST | revoi editor
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના ભારતે વિઝા લંબાવ્યાં
Advertisement

નવી દિલ્હીઃ ભારતે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના વિઝા લંબાવ્યા છે. તેઓ ઓગસ્ટ 2023 થી ભારતમાં આશરો લઈ રહ્યાં છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે તેમની ઢાકા પરત ફરવાની માંગણી તેજ બની છે. દેશવ્યાપી વિરોધ વચ્ચે 77 વર્ષીય હસીનાએ બાંગ્લાદેશ છોડીને ભારતમાં આશ્રય લીધો હતો અને ત્યારથી તે દિલ્હીમાં સુરક્ષિત જગ્યાએ રહે છે. ભારતે હાલમાં જ શેખ હસીનાના વિઝાને લંબાવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હસીનાના વિઝાને વિદેશ મંત્રાલયે લંબાવ્યા છે અને તેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સંમતિ પણ સામેલ હતી. જોકે, અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે ભારતે હસીનાને આશ્રય આપ્યો નથી, કારણ કે ભારતમાં શરણાર્થીઓને લગતો કોઈ વિશેષ કાયદો નથી.

Advertisement

બાંગ્લાદેશની વચગાળાની સરકારે શેખ હસીનાની વાપસી માટે 23 ડિસેમ્બરે ભારત સરકારને એક નોટ મોકલી હતી. આ નોટમાં હસીના પર અલગ-અલગ આરોપ લગાવવામાં આવ્યા હતા, જેના આધારે બાંગ્લાદેશે તેમને ભારતથી પરત કરવાની માંગ કરી હતી. જો કે, ભારત સરકારે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, કારણ કે ઢાકા દ્વારા જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી નથી.

બાંગ્લાદેશે તાજેતરમાં શેખ હસીના સહિત 97 લોકોના પાસપોર્ટ રદ કર્યા છે. આ વ્યક્તિઓ પર જુલાઈમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ગુમ થવા અને હત્યાઓમાં સામેલ હોવાનો આરોપ છે. બાંગ્લાદેશના ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલે 6 જાન્યુઆરીના રોજ હસીના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું, અને ફેબ્રુઆરીમાં ટ્રિબ્યુનલ સમક્ષ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

Advertisement

બાંગ્લાદેશના રાષ્ટ્રીય સ્વતંત્ર તપાસ પંચના વડા મેજર જનરલ (નિવૃત્ત) એએલએમ ફઝલુર રહેમાને તાજેતરમાં કહ્યું હતું કે પંચના સભ્યો ભારત જઈને શેખ હસીનાની પૂછપરછ કરવા માંગે છે. 2009માં બાંગ્લાદેશ રાઈફલ્સ દ્વારા 74 લોકોની હત્યાની તપાસના ભાગરૂપે આ તપાસ હાથ ધરવામાં આવશે. જો કે, ભારત સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદ જોયે ઓગસ્ટમાં એવી અફવાઓને નકારી કાઢી હતી કે તેની માતાએ ભારતમાં આશ્રય માટે અરજી કરી છે અથવા તેના વિઝા રદ કરવામાં આવ્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે પણ આ મામલે ટિપ્પણી કરી અને કહ્યું કે તે શેખ હસીના પર નિર્ભર કરે છે કે તે ભવિષ્યમાં શું પગલાં લે છે. મંત્રાલયે કહ્યું હતું કે ભારતનો આમાં કોઈ ચોક્કસ નિર્ણય નથી અને તે સંપૂર્ણપણે હસીનાની ઈચ્છા પર નિર્ભર રહેશે.

(PHOTO-FILE)

Advertisement
Tags :
Advertisement