વકફ સુધારા કાયદા મામલે ટિકા કરનાર પાકિસ્તાન સામે ભારતે વ્યક્ત કરી નારાજગી
નવી દિલ્હીઃ ભારતે વક્ફ સુધારા કાયદા પર પાકિસ્તાનની ટીકાને ફગાવતા જણાવ્યું હતું કે, પાકિસ્તાને બીજાઓને ઉપદેશ આપવાને બદલે લઘુમતીઓના અધિકારોના રક્ષણમાં પોતાના નબળા રેકોર્ડ પર નજર નાખવી જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કાયદા પર પાકિસ્તાનની ટિપ્પણીઓને પાયાવિહોણી ગણાવી અને કહ્યું કે પડોશી દેશને ભારતના આંતરિક મામલા પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી.
રણધીર જયસ્વાલે કહ્યું કે અમે ભારતની સંસદ દ્વારા પસાર કરાયેલા વક્ફ સુધારા કાયદા પર પાકિસ્તાનની પ્રેરિત અને પાયાવિહોણી ટિપ્પણીઓને સખત રીતે નકારી કાઢીએ છીએ. વાસ્તવમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ વક્ફ સુધારા કાયદા પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ અંગે મીડિયાના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાનને ભારતના આંતરિક મામલા પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. તેમણે કહ્યું કે બીજાઓને ઉપદેશ આપવાને બદલે, પાકિસ્તાને લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરતી વખતે પોતાના ખરાબ રેકોર્ડ પર નજર નાખવી જોઈએ.
નવા વક્ફ કાયદાને લઈને દેશભરમાં રાજકીય ગરમાવો આવ્યો છે. આ કાયદાના વિરોધમાં ઘણી જગ્યાએથી હિંસાના અહેવાલો મળી રહ્યા છે. જ્યારે, વિપક્ષ અને ઘણા મુસ્લિમ લીગ વકફ (સુધારા) અધિનિયમ 2025 ની બંધારણીય માન્યતાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં ગયા છે. આ મામલે આજે (બુધવારે) સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ પર સુનાવણી થવાની છે.