પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીરનો કટ્ટરપંથી ચહેરો દુનિયા સામે ભારતે ખુલ્લો પાડ્યો
નવી દિલ્હીઃ 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ પાકિસ્તાનનો અસલી ચહેરો ઉજાગર કરી દીધો છે. આતંકવાદીઓએ 26 લોકોને તેમનો ધર્મ પૂછીને મારી નાખ્યા હતા. આ બાબતે વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનના નેતૃત્વ અને ખાસ કરીને તેના સેના પ્રમુખ અસીમ મુનીરને અત્યંત કટ્ટરપંથી ગણાવ્યા હતા.
નેધરલેન્ડ મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે પહેલગામમાં હુમલો પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને હિન્દુ ધર્મના આધારે લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, "26 લોકોની શ્રદ્ધાની જાણ થયા પછી તેમના પરિવારોની સામે તેમની હત્યા કરવામાં આવી હતી. ધાર્મિક મતભેદો પેદા કરવા માટે ઇરાદાપૂર્વક ધર્મનું તત્વ દાખલ કરવામાં આવ્યું હતું."
પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વધારે તંગ બન્યાં હતા. આ બનાવને પગલે ભારત સરકારે પાકિસ્તાન સામે આકરુ વલણ અપનાવ્યું છે. તેમજ સિંધુ જળ સંધી સસ્પેન્ડ કરી હતી. બીજી તરફ ભારત સરકારે આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનને દુનિયા સમક્ષ ખુલ્લુ પાડવા માટે વિવિધ દેશમાં પોતાના પ્રતિનિધિઓ મોકલ્યાં છે.