મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું
ભારતે મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવ્યું છે. ભારતની જીતમાં સૌથી મોટો ફાળો ગોંગડી ત્રિશાનો હતો, જેણે બોલિંગમાં 3 વિકેટ લીધી હતી અને બેટ વડે 44 રનનું યોગદાન પણ આપ્યું હતું. ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ રમતા માત્ર 82 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ માત્ર એક વિકેટ ગુમાવીને 83 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારતની આ જીત એટલા માટે પણ ખાસ હતી કારણ કે તેણે માત્ર 12મી ઓવરમાં જ 83 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. આ નિર્ણય આફ્રિકન ટીમ માટે મોંઘો સાબિત થયો કારણ કે સ્કોર 44 રન હતો ત્યાં સુધીમાં અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી. દક્ષિણ આફ્રિકાની ટીમના 10માંથી માત્ર 4 બેટ્સમેન જ રનના મામલામાં ડબલ ફિગરને સ્પર્શી શક્યા. આફ્રિકન ટીમની બેટિંગ લાઇન અપની હાલત એટલી ખરાબ હતી કે તેણે 9 રનની અંદર છેલ્લી પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.
ભારતે બીજી વખત ટાઈટલ જીત્યું
આ બીજી વખત હતું જ્યારે અંડર-19 સ્તરે મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટ 2023 માં પ્રથમ વખત યોજવામાં આવી હતી જ્યારે ભારતે ફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયાએ સતત બીજી વખત આ ખિતાબ કબજે કર્યો છે. મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતને માત્ર એક જ વાર હારનો સામનો કરવો પડ્યો છે તે પણ એક રેકોર્ડ છે.
7 મહિનામાં બીજું ટાઇટલ
ગયા વર્ષે જૂનમાં ભારતીય ટીમે 2024 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યાને માત્ર 7 મહિના જ થયા છે. ભારતીય ટીમે રોહિત શર્માની કપ્તાનીમાં મેન્સ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. તે મેચમાં પણ ભારતે દક્ષિણ આફ્રિકાને ફાઈનલમાં હરાવ્યું હતું.