ભારત સાઉદી અરેબિયા સાથેના તેના લાંબા ગાળાના અને ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્વ આપે છે: નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ હું સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી હિઝ રોયલ હાઇનેસ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર બે દિવસની રાજકીય મુલાકતે જઈ રહ્યો છું. ભારત સાઉદી અરેબિયા સાથેના તેના લાંબા ગાળાના અને ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્વ આપે છે, જેણે તાજેતરના વર્ષોમાં વ્યૂહાત્મક ઊંડાણ અને ગતિ મેળવી છે. સાથે મળીને, અમે સંરક્ષણ, વેપાર, રોકાણ, ઊર્જા અને લોકો-થી-લોકોના સંબંધોના ક્ષેત્રોમાં પરસ્પર ફાયદાકારક અને મજબૂત ભાગીદારી વિકસાવી છે. પ્રાદેશિક શાંતિ, સમૃદ્ધિ, સુરક્ષા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે આપણું સહિયારૂ હિત અને પ્રતિબદ્ધતા છે.
છેલ્લા દાયકામાં આ મારી સાઉદી અરેબિયાની ત્રીજી મુલાકાત હશે અને ઐતિહાસિક શહેર જેદ્દાહની મારી પહેલી મુલાકાત હશે. હું વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની બીજી બેઠકમાં હાજરી આપવા અને તેને મારા ભાઈ હિઝ રોયલ હાઇનેસ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની 2023માં ભારતની અત્યંત સફળ રાજકીય મુલાકાત જેટલી જ સફળ બનાવવા માટે આતુર છું.
હું સાઉદી અરેબિયામાં ભારતીય સમુદાયને મળવા માટે પણ આતુર છું, જે આપણા દેશો વચ્ચે સેતુ તરીકે સેવા આપી રહ્યો છે અને સાંસ્કૃતિક અને માનવતાવાદી સંબંધોને મજબૂત બનાવવામાં ખૂબ જ યોગદાન આપી રહ્યો છે.