ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સહમત થયા
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો. તેમજ પાકિસ્તાન દ્વારા ડ્રોન વડે હુમલો કરવામાં આવતો હતો. આ ઉપરાંત સરહદ ઉપર સતત ગોળીબાર કરવામાં આવ્યો હતો. બીજી તરફ ભારત દ્વારા પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપવામાં આવ્યો હતો. દરમિયાન બંને દેશો યુદ્ધવિરામ માટે સંમત થયા છે. ભારત પોતાની શરતોને આધારે યુદ્ધવિરામ માટે સહમત થયું હતું.
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના ડીજીએમઓએ આજે બપોરે 15:35 વાગ્યે ભારતના ડીજીએમઓને ફોન કર્યો હતો. તેમની વચ્ચે સંમતિ થઈ હતી કે બંને પક્ષો સાંજે 5 વાગ્યાથી જમીન, હવા અને સમુદ્ર પર તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરશે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે કહ્યું કે આજે સાંજે 5 વાગ્યાથી યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી રોકવા માટે બંને દેશો વચ્ચે સીધી વાતચીત થઈ હતી. પાક ડીજીએમઓએ વાટાઘાટો શરૂ કરી હતી. જે પછી ચર્ચા થઈ અને સર્વસંમતિ સધાઈ હતી. ભારતની શરતોને આધારે આ સહમતી થઈ જોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે ટ્વિટ કર્યું કે, પાકિસ્તાન અને ભારત તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ માટે સંમત થયા છે. પાકિસ્તાન હંમેશા તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સાથે સમાધાન કર્યા વિના આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે પ્રયત્નશીલ રહ્યું છે.