ભારત અને ન્યુઝીલેન્ડએ આતંકવાદ સામે સાથે મળીને લડવાની પ્રતિબદ્ધતા દર્શાવી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી અને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન દિલ્હીમાં બંને દેશો વચ્ચે થયેલા અનેક કરારોના સાક્ષી બન્યા હતા. ન્યુઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સન સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન, પીએમ મોદીએ કહ્યું, "હું પીએમ લક્સન અને તેમના મંત્રીમંડળનું ભારતમાં સ્વાગત કરું છું... પીએમ લક્સન ભારત સાથે જોડાયેલા છે. અમે જોયું કે તેમણે તાજેતરમાં હોળી કેવી રીતે ઉજવી... અમને ખુશી છે કે તેમના જેવા યુવા નેતા રાયસીના ડાયલોગ 2025 માં અમારા મુખ્ય મહેમાન છે..."
દરમિયાન, સોમવારે નવી દિલ્હીમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બંને દેશોના પ્રધાનમંત્રીઓ હાજર રહ્યા હતા. કરાર પછી એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, બંને દેશોએ સંરક્ષણ ભાગીદારીને મજબૂત અને સંસ્થાકીય બનાવવાનો નિર્ણય લીધો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સંરક્ષણ ઉદ્યોગોમાં પરસ્પર સહયોગ માટે એક બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે. પરસ્પર ફાયદાકારક ભારત-ન્યુઝીલેન્ડ FTA પર વાટાઘાટો શરૂ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, "... ગેરકાયદેસર સ્થળાંતરના મુદ્દાને ઉકેલવા માટે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે એક કરાર ઘડવા માટે કામ કરવામાં આવશે." સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભલે તે 2019નો ક્રાઇસ્ટચર્ચ હુમલો હોય કે 2008નો મુંબઈ હુમલો, કોઈપણ સ્વરૂપમાં આતંકવાદ અસ્વીકાર્ય છે. બંને દેશોએ કહ્યું છે કે તેઓ આતંકવાદી, અલગતાવાદી અને કટ્ટરપંથી તત્વો સામેની લડાઈમાં સહયોગ ચાલુ રાખશે.