ભારતે 100 ગીગાવોટ સૌર ઊર્જા ક્ષમતાનું ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું
નવી દિલ્હીઃ ભારતે 100 ગીગાવોટ સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતાને વટાવીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે અને પુનઃપ્રાપ્ય ઊર્જામાં વૈશ્વિક સ્તરે અગ્રણી તરીકેનું પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિ દેશની સ્વચ્છ, હરિયાળા ભવિષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણ-આધારિત ઊર્જા ક્ષમતાના 500 ગીગાવોટના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને સાકાર કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, "પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં છેલ્લાં 10 વર્ષમાં ભારતની ઊર્જા સફર ઐતિહાસિક અને પ્રેરણાદાયક રહી છે. સોલાર પેનલ, સોલાર પાર્ક અને રૂફટોપ સોલાર પ્રોજેક્ટ્સ જેવી પહેલોએ ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે. જેના કારણે આજે ભારતે 100 ગીગાવોટ સૌર ઊર્જા ઉત્પાદનના લક્ષ્યાંકને સફળતાપૂર્વક પાર પાડ્યો છે. ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં ભારત માત્ર આત્મનિર્ભર જ નથી બની રહ્યું પરંતુ દુનિયાને એક નવો રસ્તો પણ બતાવી રહ્યું છે."
કેન્દ્રીય મંત્રી જોશીએ કહ્યું કે આ સિદ્ધિ સ્પષ્ટ અને હરિયાળા ભવિષ્ય માટેની અવિરત પ્રતિબદ્ધતા દ્વારા સંચાલિત છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બિજલી યોજના રૂફટોપ સોલારને ઘરગથ્થુ વાસ્તવિકતા બનાવી રહી છે અને તે સાતત્યપૂર્ણ ઊર્જામાં ગેમ-ચેન્જર છે, જે દરેક ઘરને સ્વચ્છ ઊર્જા સાથે સશક્ત બનાવે છે.
સૌર ક્ષેત્રમાં અભૂતપૂર્વ વૃદ્ધિ
ભારતના સૌર ઊર્જા ક્ષેત્રમાં છેલ્લા એક દાયકામાં ક્ષમતામાં અસાધારણ 3450 ટકાનો વધારો થયો છે. જે વર્ષ 2014માં 2.82 ગીગાવોટથી વધીને વર્ષ 2025માં 100 ગીગાવોટ થયો છે. 31 જાન્યુઆરી, 2025 સુધીમાં, ભારતની કુલ સ્થાપિત સૌર ક્ષમતા 100.33 ગીગાવોટ છે. જેમાં 84.10 ગીગાવોટનો અમલ ચાલી રહ્યો છે અને ટેન્ડરિંગ હેઠળ વધારાનો 47.49 ગીગાવોટ છે. દેશના હાઇબ્રિડ અને રાઉન્ડ ધ ક્લોક (આરટીસી) પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ્સ પણ ઝડપથી આગળ વધી રહ્યા છે. જેમાં 64.67 ગીગાવોટનો અમલ થઈ રહ્યો છે અને ટેન્ડર કરવામાં આવ્યું છે, જે સૌર અને હાઇબ્રિડ પ્રોજેક્ટ્સની કુલ સંખ્યાને 296.59 ગીગાવોટ સુધી લઈ જશે.
ભારતની પુનઃપ્રાપ્ય ઊર્જાની વૃદ્ધિમાં સૌર ઊર્જાનો મોટો ફાળો છે. જે કુલ સ્થાપિત પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતાનો 47 ટકા હિસ્સો ધરાવે છે. 2024 માં, રેકોર્ડ-બ્રેકિંગ 24.5 ગીગાવોટ સૌર ક્ષમતા ઉમેરવામાં આવી હતી. જે 2023 ની તુલનામાં સોલર ઇન્સ્ટોલેશનમાં બે ગણાથી વધુના વધારાને પ્રતિબિંબિત કરે છે. ગયા વર્ષે પણ 18.5 ગીગાવોટ યુટિલિટી-સ્કેલ સોલર ક્ષમતાની સ્થાપના જોવા મળી હતી. જે 2023 ની તુલનામાં લગભગ 2.8 ગણો વધારો દર્શાવે છે. રાજસ્થાન, ગુજરાત, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ એ ટોચનું પ્રદર્શન કરતા રાજ્યોમાં સામેલ છે. જેણે ભારતના કુલ યુટિલિટી-સ્કેલ સોલર ઇન્સ્ટોલેશન્સમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
ભારતમાં રૂફટોપ સોલાર સેક્ટરમાં 2024 માં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. જેમાં 4.59 ગીગાવોટ નવી ક્ષમતા સ્થાપિત કરવામાં આવી હતી. જે 2023 ની તુલનામાં 53 ટકાનો વધારો દર્શાવે છે. આ વૃદ્ધિનું મુખ્ય ચાલકબળ પ્રધાનમંત્રી સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના છે, જે 2024માં શરૂ કરવામાં આવી હતી, જે હવે 9 લાખ રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશનની નજીક છે, જે દેશભરના ઘરોને સ્વચ્છ ઊર્જા સોલ્યુશન્સ અપનાવવા માટે સક્ષમ બનાવે છે.
ભારતે સૌર ઉત્પાદનમાં પણ નોંધપાત્ર હરણફાળ ભરી છે. વર્ષ 2014માં દેશમાં માત્ર 2 ગીગાવોટની મર્યાદિત સોલાર મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા હતી. છેલ્લા એક દાયકામાં, તે 2024માં વધીને 60 ગીગાવોટ થઈ ગઈ છે, જેણે ભારતને સૌર ઉત્પાદનમાં વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કર્યું છે. સતત નીતિગત સાથસહકાર સાથે ભારત વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટની સૌર મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનાં માર્ગે અગ્રેસર છે.
કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશીના માર્ગદર્શન હેઠળ નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય (એમએનઆરઇ) ભારતમાં અક્ષય ઊર્જાની ક્ષમતા વધારવા માટે મુખ્ય પહેલોનો અમલ કરી રહ્યું છે. સૌર ઊર્જામાં આ 100 ગીગાવોટનું સીમાચિહ્નરૂપ ભારતની પુનઃપ્રાપ્ય ઊર્જાનાં પાવરહાઉસ તરીકેની ભૂમિકાને રેખાંકિત કરે છે, જે સ્વનિર્ભર ઊર્જા ભવિષ્યને આકાર આપતી વખતે લાખો લોકોને સ્વચ્છ, સ્થાયી અને વાજબી ઊર્જાની સુલભતા સુનિશ્ચિત કરે છે.