ગુજરાતમાં સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાની થીમ પર કરાશે
- ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ 33 જિલ્લા કલેકટરો, અધિકારીઓને માર્ગદર્શન આપ્યું,
- આ વર્ષે તિરંગાનો કાર્યક્રમ ત્રણ તબક્કામાં યોજાશે,
- બીજો તબક્કામાં 9 થી 12 ઓગસ્ટ દરમિયાન સમુદાયિક સફાઈ ઝુંબેશ શરૂ કરાશે
ગાંધીનગરઃ રાજ્યના રમતગમત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના 33 જિલ્લાના કલેકટરો અને અન્ય અધિકારીઓને "હર ઘર તિરંગા"ની ઊજવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું.
મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે , આ વર્ષે તિરંગાનો કાર્યક્રમ ત્રણ તબક્કામાં યોજાવાનો છે. પ્રથમ તબક્કામાં બે થી આઠ ઓગસ્ટ દરમિયાન રાખી બનાવવાના વર્કશોપ અને સ્પર્ધાઓ, વોલ પેઇન્ટિંગ, લેટર ડ્રાઇવ, ક્વિઝ સ્પર્ધા વગેરે યોજાશે. બીજો તબક્કો 9 થી 12 ઓગસ્ટ દરમિયાન સમુદાયિક સફાઈ ઝુંબેશ, તિરંગા યાત્રા અને રોલિઝ,wash infrastructure અને સ્વચ્છતા દિવસ સાથે યોજાશે. જ્યારે ત્રીજો તબક્કો 13 થી 15 ઓગસ્ટ દરમિયાન સ્વચ્છતા સંવાદ અને જાગૃતિ દિવસ, સ્વતંત્રતા દિવસની તૈયારી અને ઉજવણી સાથે યોજાશે.
હર ઘર તિરંગા અને સ્વતંત્ર પર્વની ઉજવણીમાં શાળાઓ કોલેજો અને સ્થાનિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની ભાગીદારી સુનિશ્ચિત કરાશે. સ્વચ્છ સુજલ ગામનો સંકલ્પ લેવાશે. બધી શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સ્વાતંત્ર સમારોહનું આયોજન કરાશે. યુવાનોને તિરંગા સાથે સેલ્ફી લેવા અને તેના અપલોડ કરવા પ્રોત્સાહિત કરાશે, ગ્રામ પંચાયત અને શાળામાં ધ્વજ વંદન સમારોહનું આયોજન કરાશે. સ્થાનિક સમુદાયો અને શાળાના બાળકોની ભાગીદારી સુનિશ્ચિત કરાશે. શહેરી શાળાઓ અને જાહેર સ્થળોએ દિવાલ સજાવાશે. ગ્રામીણ વિસ્તારોમાં પણ શાળાઓ અને જાહેર ઈમારતોની દીવાલોને સજાવાશે. અનેકવિધ કાર્યક્રમ દ્વારા રાજ્યભરમાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાને જાગ્રત કરાશે.
આ વીડિયો કોન્ફરન્સમાં ગાંધીનગરના કલેક્ટર મેહુલ કે. દવે, જિલ્લા વિકાસ અધિકારી બી. જે. પટેલ, અધિક નિવાસી કલેક્ટર નિશા શર્મા અને જિલ્લાના અન્ય અધિકારીઓ જોડાયા હતા.