ભાવનગર જિલ્લામાં સિંહ અને દીપડાની સંખ્યામાં વધારો
- સિંહ પરિવારે પાલિતાણા અને સિહોર તાલુકામાં નવું રહેઠાણ બનાવ્યું,
- ખેડુતોના ખૂલ્લા કૂવામાં દીવાલ બાંધવા વન વિભાગે કરી અપીલ,
- પશુ મારણના વધતા બનાવો
ભાવનગર: ગોહિલવાડ વનરાજોને ગમી ગયું હોય તેમ સિંહોની વસતીમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગર જિલ્લામાં મહુવા, તળાજા, ઘોઘા તાલુકામાં સિંહનો વસવાટ ઘણા સમયથી છે. હવે સિહોર અને પાલિતાણામાં પણ સિંહોએ વસવાટ શરૂ કર્યો છે. આ વિસ્તારમાં સિંહ ઉપરાંત દીપડાની વસતીમાં પણ વધારો થયો છે. સાથે જ ગામડામાં પશુમારણના બનાવો પણ વધી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં સિંહો પોતાનું સ્થળાંતર કરતા રહે છે. શિકારની શોધમાં સિંહ અને દીપડા સીમ-વાડી ખેતરોમાં આટાંફેરા મારી રહ્યા છે.
ભાવનગર જિલ્લામાં સિંહનું પ્રથમ વસવાટ પાલીતાણાનું શેત્રુંજી ડેમનો કાંઠાળ વિસ્તાર છે. જો કે તેના પહેલા તેઓ જેસર પંથકમાં પણ હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી સિંહનો વસવાટ અલગ અલગ તાલુકાઓમાં થવા પામ્યો છે, આ અંગે જિલ્લા વન વિભાગના અધિકારીના કહેવા મુજબ ભાવનગર જિલ્લામાં કુલ 302 સ્કવેર કિલોમીટર વન વિભાગનો વિસ્તાર છે. જેમાં 2020 મુજબ સિંહની વસ્તી 74 અને 2023 મુજબ દીપડાની વસ્તી 55 નોંધાયેલી છે. આ બંને પ્રાણીઓને ઉપર વન વિભાગ દ્વારા ખાસ નજર રાખવામાં આવતી હોય છે. જિલ્લાના જેસર, પાલીતાણા, ગારીયાધાર, મહુવા, તળાજા અને ભાવનગરના ભડી ભંડારીયા તેમજ સિહોર પંથકમાં પણ સિહોના વસવાટ છે. છેલ્લા ત્રણ વર્ષમાં સિંહ અને દીપડાં દ્વારા મનુષ્ય સાથેના સંઘર્ષ એટલે કે મનુષ્ય ઉપર હુમલો કર્યો હોય તેવા ત્રણ બનાવો બન્યા હતા.. જેમાં એક બનાવવામાં ઝરખે હુમલો કર્યો હતો. જ્યારે બીજા બનાવમાં સિંહ અને ત્રીજા બનાવમાં દીપડાએ હુમલો કર્યો હોવાનું નોંધાયેલું છે, જ્યારે માનવ મૃત્યુ થવા પામ્યું નથી.
ભાવનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગે ખેતી થતી હોય ત્યારે વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે અમે મનુષ્ય સાથે સંઘર્ષ થાય નહિ એ માટે ખેતરોમાં ખેડૂતો માટે માચડા ઉભા કરી રહ્યા છીએ. ગયા વર્ષે અમે 55 જેટલા માચડાઓ ખેડૂતોને આપ્યા છે. આ માચડાઓ લોખંડના હોય છે જેમાં ખેડૂત આરામથી રાત્રિ દરમિયાન ખેતરમાં કોઈ ડર વગર સૂઈ શકે છે અને પોતાના ખેતરની રખેવાળી કરી શકે છે. આ સાથે ખુલ્લા કૂવા હોય તેને દીવાલ બનાવવાનું કામ પણ અમે કર્યું છે. ગયા વર્ષે 121 ખુલા કૂવાઓને દીવાલ બનાવી હતી. જેથી સિંહ કે દીપડા કૂવામાં પડી જવાના બનાવો ન બને,