For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં શરદી-ઉધરસ અને તાવના કેસમાં થયો વધારો

05:26 PM Feb 04, 2025 IST | revoi editor
રાજકોટમાં શરદી ઉધરસ અને તાવના કેસમાં થયો વધારો
Advertisement
  • એક સપ્તાહમાં શરદી-ઉધરસના 1032 કેસ નોંધાયા
  • સામાન્ય તાવના પણ 866 દર્દીઓ નોંધાયા
  • વાદળછાયા વાતાવરણને લીધે રોગચાળો વકર્યો

રાજકોટઃ શહેરમાં ઠંડી-ગરમી મિશ્રિત ઋતુને કારણે શરદી, ઉધરસ અને ફીવરના કેસમાં વધારો થયો છે. ગત સપ્તાહમાં પણ શરદી-ઊધરસનાં કુલ 1032 અને સામાન્ય તાવનાં 866 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે જોખમી ટાઇફોઇડ તાવનાં 3 અને ડેંગ્યુનાં પણ 2 દર્દીઓ સામે આવ્યા હતા. જોકે, મેલેરિયા અને HMPV વાઇરસના કોઈ કેસ નોંધાયા નથી. કુલ દર્દીઓની સંખ્યા 2054 થતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. રોગચાળો કાબુમાં રાખવા ફોગીંગ સહિતની વિવિધ કામગીરી હાથ ધરવાની સાથે જ લોકોને પણ સાવધાની રાખવા અપીલ કરવામાં આવી રહી છે.

Advertisement

રાજકોટ શહેરમાં છેલ્લા પખવાડિયાથી લોકો બે ઋતુનો અનુભવ કરી રહ્યા છે. બપોરના ટાણે ગરમી અને રાતે ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યા છે, જેના લીધે છેલ્લા એક સપ્તાહમાં શરદી ઉધરસ અને ફીવર સહિત કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા સપ્તાહમાં મ્યુનિ. સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. મ્યુનિના ચોપડે વિવિધ રોગોનાં 2054 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં 1032 કેસ, ઝાડા-ઊલટીનાં 151, સામાન્ય તાવનાં 866 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અતિ જોખમી ગણાતા ટાઇફોઇડ તાવનાં 3 કેસ નોંધાયા છે. જ્યારે મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 2 કેસ સામે આવ્યા છે. જોકે આ આંકડાઓ સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ક્લિનિકોને ધ્યાનમાં રાખીએ તો કુલ દર્દીનો આંકડો 10,000 કરતા વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. છેલ્લા બે દિવસથી વાદળછાંયા વાતાવરણને લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે.

આરએમસીના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીના કહેવા મુજબ હાલમાં શરદી-ઊધરસ તેમજ તાવનાં વધુ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે લોકોએ બહારનો ખોરાક લેવાથી દૂર રહેવાની સાથે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. સામાન્ય સૂકી ઉધરસ માટે હળદરનો ઉપયોગ કરવો એ હિતાવહ છે. ઉપરાંત જો કોઈપણ પ્રકારે તબિયત વધુ લથડતી લાગે તો તરત જ મનપાનાં આરોગ્ય કેન્દ્રો અથવા સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડૉક્ટર્સની સલાહ લઈ તે મુજબની દવા કરવી જરૂરી છે. જોકે, હજુસુધી જોખમી HMPV વાઇરસનો એકપણ કેસ સામે આવ્યો નથી. રોગચાળા દ્વારા ઊભા થતા આરોગ્ય પડકારને પહોંચી વળવા મહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલેન્ટીયર્સ દ્વારા તા. 27 જાન્યુઆરીથી લઈ 2 ફેબ્રુઆરી સુધીમાં 39,043 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને 688 ઘરોમાં ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement