અમદાવાદમાં ટેક્સટાઈલ ગૃપ પર ઈન્કમટેક્સના દરોડા, 35 સ્થળોએ સર્ચ કરાયું
- બિનહિસાબી વ્યવહારો અને કરચોરી પકડાવવાની શક્યતા
- રાજકોટથી આઈટીના અધિકારીઓએ અમદાવાદમાં દરોડા પાડ્યા
- બેંક ખાતા, લોકરો સીઝ કરવાની કાર્યવાહી કરાઈ
અમદાવાદઃ શહેરમાં ઈન્કમટેક્સના અધિકારીઓએ ટેક્સટાઈલ્સ ગૃપ પર વહેલી સવારથી સર્ચની કાર્યવાહી હાથ ધરી છે. મેન્યુફેકચરીંગ ટેકસટાઇલ્સ ગૃપ પર મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે. દરોડાની કાર્યવાહીમાં રાજકોટ સહિત અન્ય શહેરના આઈટીના અધિકારીઓ પણ જોડાયા છે. મોટી માત્રામાં બિનહિસાબી વ્યવહારો અને કરચોરી પકડાવવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
સુત્રોના કહેવા મુજબ ગુજરાતમાં ટેકસટાઇલ્સ ક્ષેત્રમાં મોટુ નામ ધરાવતા એક મેન્યુફેકચરીંગ ટેકસટાઇલ્સ ગૃપના 35થી વધુ સ્થળોએ આજે સવારથી દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ શહેરના એસ.જી. હાઇવે તથા પીપલજ ઉપરાંત અન્ય અનેક સ્થળોએ સર્ચ સર્વે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કંપનીના વિનોદ મિતલ, ધવલ મિતલ સહિતના ડિરેકટરોના નિવાસ સ્થાન, ઓફિસ જેવા સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જ બિનહિસાબી વ્યવહારો દર્શાવતા દસ્તાવેજો ઉપરાંત ડીજીટલ સાધનો મળી આવ્યા હતા જેની તપાસ હાથ ધરવામાં આવી છે.
સૂત્રોએ વધુમાં કહ્યુ હતું કે, 35થી વધુ સ્થળોએ 200 જેટલા આવકવેરા અધિકારીઓએ સર્ચ કામગીરી હાથ ધરી છે. અને ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. બેંક ખાતા, લોકરો સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. દરોડા ઓપરેશન બે થી ત્રણ દિવસ ચાલુ રહેવાની શકયતા છે અને સર્ચ દરમિયાન મોટી માત્રામાં બિનહિસાબી વ્યવહારો મળવા સાથે કરોડોની કરચોરી પકડાવવાની આશંકા છે. ચાલુ નાણાંકીય વર્ષના આડે હવે ચાર મહિના પણ બાકી રહ્યા નથી તેવા સમયે આવકવેરા વિભાગે ટેકસ કલેકશનનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે કાર્યવાહી તેજ બનાવવાની શરૂ કર્યુ હોય તેમ માનવામાં આવી રહ્યું છે. ઇન્કમટેકસ દરોડા ઓપરેશનથી ગુજરાતના વેપાર ઉદ્યોગમાં ફફડાટ સર્જાયો છે.