ગુજરાતમાં નાના રાજકીય પક્ષોના દાનના કૌભાંડમાં ઈન્કમ ટેક્સના 24 સ્થળોએ દરોડા
- ભારતીય નેશનલ જનતા દળના સંજય ગજેરાના ઘર-ઓફિસે ITની રેડ,
- રાજકીય દાનના નામે કરચોરીના મેગા કૌભાંડના પડદાફાસની શક્યતા,
- ભારતીય નેશનલ જનતા દળને રાજકીય દાન 957 કરોડ મળ્યુ હતું !
અમદાવાદઃ રાજકીય પક્ષોને અપાતા દાનમાં કરમુક્તિ અપાતી હોવાથી નાના રાજકીય પક્ષો દાનપેટે કરોડો રૂપિયા કમિશનપેટે લેતા હોય છે. અને કરદાતાઓ રાજકીય પક્ષોને દાનમાં રકમ દર્શાવીને કરમુક્તિનો લાભ મેળવી લેતા હોય છે. ત્યારે ગુજરાતમાં નાના રાજકીય પક્ષો ઈન્કમ ટેક્સના રડારમાં મુકાયા છે. આજે ઈન્કમટેક્સના અધિકારીઓએ 24 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં અમદાવાદ ઉપરાંત ગાંધીનગરના ત્રણ સ્થળો સહિત ગુજરાતમાં 24થી વધુ સ્થળોએ રાજકીય દાનના નામે કાળા-ધોળા કરનારા પર તવાઈ બોલાવાઈ છે. અગાઉ દાન દેનારાઓને ત્યાં આવકવેરા વિભાગ ત્રાટક્યું હતું. હવે દાન લેનારા `નાના રાજકીય પક્ષો'ને ત્યાં આયકર વિભાગ ત્રાટકયું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં આજે વહેલી સવારથી ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના ઘર-ઓફિસે પોલીસ બંદોબસ્ત સાથે આઈટીની ટીમ ત્રાટકી હતી. આઈટીની એક ટીમ સેકટર 26 કિસાનનગર સ્થિત તેમના ઘરે હથિયારધારી પોલીસ જવાન સાથે ઘરમાં સર્ચ કર્યુ હતુ. જ્યારે અન્ય ટીમો સેક્ટર 11માં મેઘ મલ્હાર ઓફિસ અને ડ્રાઇવરના ગ્રીનિસિટી ઘરે સર્ચ કર્યુ હતુ. આઈટીના અધિકારીઓએ સંજય ગજેરાના ઘરે દસ્તાવેજો, સ્થાવર અને જંગમ મિલકત સહિતના પુરાવા ચકાસણી કરી હતી.
અમદાવાદમાં ડઝનથી વધુ સ્થળોએ ઈન્કમટેકસ દ્વારા ઓપરેશન કરાયું હતુ. તેમાં આવા પક્ષો સાથે સંકળાયેલા આગેવાનો નિશાન બન્યા છે. આવકવેરા વિભાગનાં સુત્રોએ કહ્યું કે, અમદાવાદ ઉપરાંત, સુરત, વડોદરા, રાજકોટ, સહિતનાં શહેરોમાંથી અધિકારીઓની ટીમોને દરોડામાં સામેલ કરવામાં આવી છે. આ રેડમાં કરોડોના નાણાકીય વ્યવહારો તથા ટેકસ ચોરીનો ખુલાસો થઈ શકે છે. ચેકથી દાનનાં નામે મોટી રકમ મેળવ્યા બાદ કમિશન કાપીને રોકડ પરત કરીને ટેકસ ચોરીની આ મોડસ ઓપરેન્ડી છે.
સૂત્રોના કહેવા મુજબ સંજય ગજેરાની પાર્ટી ભારતીય નેશનલ જનતા દળ 2022 ગુજરાત વિધાનસભા અને લોકસભા 2024ની ચૂંટણી લડી હતી. જેમાં પાર્ટીના કુલ 8 ઉમેદવારને 11,496 મત મળ્યા હતા અને 957 કરોડનું દાન મળ્યું હતું.