ગોંડલ યાર્ડમાં ડૂંગળીના 3 લાખ કટ્ટાની આવક, યાર્ડ બહાર લાગી લાંબી લાઈનો
- રાજકોટ ઉપરાંત બહારના જિલ્લાઓના ખેડુતો વાહનો ભરી ડુંગળી વેચવા આવ્યા,
- ખેડુતોને પ્રતિ 20 કિલોના રૂપિયા 100થી લઈ 500નો ભાવ મળ્યો,
- પરપ્રાંતના વેપારીઓ ડુંગળીની ખરીદી માટે ગોંડલ યાર્ડમાં પહોંચ્યા
રાજકોટ: સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે, જેમાં સૌથી વધુ આવક લાલ ડુંગળીની થઈ રહી છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મંગળવારે ડુંગળીના 3 લાખથી વધુ કટ્ટાની આવક થઈ હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડની બહાર ડુંગળી ભરેલા વાહનોની છ થી સાત કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હરાજીની પ્રક્રિયા દરમિયાન ખેડૂતોને ડુંગળીના ગુણવત્તા અનુસાર પ્રતિ 20 કિલોના 100 રૂપિયાથી લઈ ₹500 સુધીના ભાવ મળ્યા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જુનાગઢ, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો ડુંગળી સહિતની જણસીના વેચાણ અર્થે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવતાં હોય છે. યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ કહ્યુ હતુ કે યાર્ડમાં ત્રણ લાખથી વધુ કટ્ટાની આવક થઈ હતી. ખેડુતોને ડુંગળીના 20 કિગ્રાના ભાવ 100થી 500 રૂપિયા સુઘી બજાર ભાવ મળ્યા છે. અહીં, જૂનાગઢ ગીર સોમનાથ જામનગર પોરબંદર સહિત સૌરાષ્ટ્ર ભરના ખેડુતો ડૂંગળી લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે.
ગોંડલ યાર્ડમાં બહારના રાજ્યમાંથી વેપારીઓ જણસીઓ ખરીદ કરવા માટે આવતા હોય છે. ત્યારે લાલ ડુંગળીની ખરીદી માટે રાજસ્થાન, કર્ણાટક, ઓરિસ્સા, મહારાષ્ટ્ર સહિત રાજ્યોમાંથી મોટી મોટી કંપનીઓના એક્સપર્ટઓ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા છે. અને સોદા કરી રહ્યા છે. હાલ યાર્ડમાં લાલ ડુંગળીની બોરીઓ મુકવાની જગ્યા જ નથી. એટલે મોટો વેપારીઓ સોદા કરે કે તરત જ ડુંગળીના જથ્થાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. યાર્ડના ગ્રાઉન્ડમાં જ્યાં નજર ત્યાં લાલ ડુંગળીના કટ્ટાના થપ્પા લાગી જવા પામ્યા હતા.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી જેવા કે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ભાવનગર, જુનાગઢ સહિતના જિલ્લાઓ માંથી ખેડૂતો વાહનોમાં લાલ ડુંગળીની જણસી ભરી ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે વેચવા માટે આવી પોહચ્યા હતા. તેનું એકમાત્ર કારણ એ છે કે ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી કરતા હોય છે.