RTE એકટ હેઠળ ધો.1માં પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદામાં કરાયો વધારો
- RTEમાં પ્રવેશમાં આવક મર્યાદા વધારીને રૂ.6 લાખ કરવાનો નિર્ણય
- RTE પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટે આવક સ્લેબમાં સુધારો
- નબળા અને વંચિત જૂથના બાળકો અને વાલીઓને મોટી રાહત
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE ACT-2009) હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 % બેઠકોમાં ધોરણ-1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જેમાં નબળા અને વંચિત જૂથના બાળકો માટે બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.1માં વિનામૂલ્યે પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા તા.16મી માર્ચ સુધી શરૂ છે. અગાઉ RTE પ્રવેશ માટે આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.1.20 લાખ અને શહેરી વિસ્તારમાં રૂ.1.50 લાખ સુધી મર્યાદિત હતી. પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના વડપણ હેઠળ શિક્ષણ વિભાગે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂ. 6 લાખ કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂ.6 લાખ કરવાનો નિર્ણય કર્યો છે. RTE પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટે આવક સ્લેબમાં સુધારો થતા નબળા અને વંચિત જૂથના બાળકો અને વાલીઓને મોટી રાહત થઈ છે.
અગાઉ કેટેગરી ક્રમાંક: (8-જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દિકરી, 9-રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો,11-SC-ST કેટેગરીના બાળકો, 12-SEBC કેટેગરી, 13- જનરલ કેટેગરી)નાં બાળકો માટે ઓનલાઈન અરજી કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ.1.20 /- લાખ અને શહેરી વિસ્તારમાં રૂ. 1.50/- લાખ આવક મર્યાદા હતી જે શિક્ષણ વિભાગના તા. 13/03/2025ના પત્રથી મળેલ મંજુરી અન્વયે હવેથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર બન્ને માટે વાર્ષિક રૂ. 6.00 /- લાખ કરવામાં આવેલ છે. હવે વધુમાં વધુ પાત્ર વિદ્યાર્થીઓને ધો.1માં પ્રવેશનો લાભ મળે તે માટે આ તમામ કેટેગરીના વાલીઓ માટે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં વાર્ષિક રૂ.6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા અરજદારોને અરજી કરવા માટે પાત્ર ગણવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, જે બાળકોએ 1 જૂન-2025નાં રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા તેવા પાત્ર બાળકો માટે RTE પોર્ટલ https://rte.orpgujarat.com પર તા. 15/04/2025 (મંગળવાર) સુધી ઓનલાઈન અરજી કરવાની તક છે. વધુમાં, અન્ય કેટેગરીના તથા અગાઉ અરજી ન કરી શકનાર અરજદારો તેમજ ચાલુ વર્ષે જે અરજદારોની અરજીઓ અગાઉ નિર્દિષ્ઠ કરેલ આવક કરતા વધુ આવક (પરંતુ રૂ. 6.૦૦ લાખ કરતા ઓછી) હોવાના કારણે જિલ્લા કક્ષાએ અમાન્ય (REJECT) થયેલ હોય તેઓ પણ પુનઃ ઓનલાઈન અરજી કરી શકશે. આ અવધિ દરમિયાન અરજી કરી શકશે. જિલ્લા કક્ષાએ તમામ અરજદારોની આવક મર્યાદા તથા અન્ય આવશ્યક દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ કરી અરજી મંજૂર કે નામંજૂર કરવાની પ્રક્રિયા તા. 16મી એપ્રિલ (બુધવાર) સુધીમાં પૂર્ણ કરવાની રહેશે એમ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને પ્રાથમિક શિક્ષણ નિયામક-ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.