મશરૂમને આહારમાં કરો સામેલ, આરોગ્ય માટે છે ખુબ ફાયદાકારક
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશભરમાં મશરૂમની ખોરાક તરીકે માંગમાં અધધ વધારો થયો છે. ફાઈવ સ્ટાર હોટેલ થી લઈને નાના રેસ્ટોરાં માં પણ તેની માગમાં ઉછાળો આવ્યો છે ત્યારે મશરૂમ કેટલું સ્વાસ્થ્ય વર્ધક છે. કયા મશરૂમ ભોજનમાં કઈ શકાય તેને વિગતે સમજીએ.
મશરૂમ એક કુદરતી સુપરફૂડ છે જે જરૂરી પોષકતત્ત્વોથી ભરપૂર છે. તે ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ, પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. ઘણા લોકો તેને સ્વસ્થ આહાર તરીકે પોતાની થાળીમાં સામેલ કરે છે. જોકે, કેટલાક લોકો મશરૂમની વિચિત્ર રચનાને કારણે ખાવાથી દૂર રહે છે.
મશરૂમમાં વિટામિન ડી, ફાઇબર, પ્રોટીન અને સેલેનિયમ, ગ્લુટાથિઓન અને એર્ગોથિઓનિન જેવા એન્ટીઑકિસડન્ટો સહિત ઘણા આવશ્યક ખનિજો હોય છે. આ પોષક તત્ત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં, હૃદયને સ્વસ્થ રાખવામાં અને પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત, મશરૂમ્સમાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, જેના કારણે તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. મશરૂમને 'કુકુરમુત્તા' નામથી પણ ઓળખવામાં આવે છે. મશરૂમ એક પ્રકારની ફૂગ છે, જે ઘણીવાર વરસાદના દિવસોમાં ભેજમાં ઊગે છે. જોકે આવા મશરૂમ ખાવામાં આવતા નથી. મશરૂમ્સની ઘણી પ્રજાતિઓ છે. આમાંથી ફક્ત થોડી જ ખાદ્ય છે, જે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. સામાન્ય રીતે ખાદ્ય મશરૂમની ખેતી કરવામાં આવે છે.
મશરૂમમાં હાજર ફાઇબર, પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વિટામિન ડી કોષોના વિકાસમાં મદદ કરે છે અને હાડકાંને મજબૂત બનાવે છે. વિટામિન B6 શરીરમાં રેડ બ્લડ સેલને બનાવવામાં મદદ કરે છે. આ બધા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. મશરૂમ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે કારણ કે તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે. તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ધ્યાનમાં રાખો કે તેને ઓછા તેલ અને મસાલા સાથે જ રાંધવા જોઈએ.