રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે રાજભવન સ્ટાફના આવાસનું લોકાર્પણ
ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરમાં રાજભવનના કર્મચારીઓ-અધિકારીઓ માટેના આવાસીય પરિસરમાં સરસ્વતી સદનમ્ (કોમ્યુનિટી હૉલ) અને 'એશ્વર્યમ્'માં 32 આવાસનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યપાલે રાજભવન સ્ટાફ પરિવારને દિવ્ય-ભવ્ય આવાસ અર્પણ કરતાં આ આવાસમાં નિવાસ દરમિયાન સૌનું જીવન સુખમય, શાંતિમય અને સંપૂર્ણ સ્વસ્થ રહે એવી શુભકામનાઓ પાઠવી હતી.
આચાર્ય દેવવ્રતે રાજભવન પરિવારના સૌ સભ્યો અને તેમના પરિવારજનોને સંપીને-એક પરિવારની જેમ રહેવા, આવાસીય પરિસરમાં સ્વચ્છતા જાળવવા અને બાળકોના વિકાસ માટે સારું શિક્ષણ અને સંસ્કારી વાતાવરણ આપવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાજભવન આવાસીય પરિસરની સ્વચ્છતા અને સુંદરતા જાળવવાની જવાબદારી અહીં વસતા પરિવારોની છે. આ પરિસરને એવું આદર્શ અને આખા રાજ્ય માટે ઉદાહરણીય બનાવો કે બહારના લોકોને આ પરિસરની મુલાકાત લેવાનું અને પ્રેરણા લેવાનું મન થાય.
રાજભવન આવાસીય પરિસરમાં રૂપિયા 48.04 કરોડના ખર્ચે છ-ટાઈપના 96 આવાસ અને ઘ-ટાઈપના 32 આવાસનું નિર્માણ કરાયું છે. 300 લોકોની ક્ષમતાવાળા કોમ્યુનિટી હૉલ-સરસ્વતી સદનમ્ નું પણ નિર્માણ કરાયું છે. આ પરિસરમાં અદ્યતન દવાખાનું પણ કાર્યરત છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જર્જરીત થઈ ગયેલા સ્ટાફ ક્વાર્ટર્સના પુનનિર્માણ કાર્યનું વર્ષ 2022 માં ભૂમિ પૂજન કર્યું હતું.
તેમણે અંગત રસ લઈને કામની ઝડપ અને કામની ગુણવત્તા બંને માટે વિશેષ કાળજી લીધી હતી. વર્ષ 2023 માં 17મી સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાના કામનું સમાપન થતાં કર્મચારીઓને નવા આવાસો મળ્યા હતા. હવે બીજા તબક્કામાં 32 આવાસનું નિર્માણ અને લોકાર્પણ કરાયું છે. રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સને 'એશ્વર્યમ્' નામ આપવામાં આવ્યું છે. રાજ્યપાલે કહ્યું હતું કે, અહીં નિવાસ કરતા પરિવારો વિચાર, સંસ્કાર અને સંપત્તિથી ઐશ્વર્યવાન બને એવી વિભાવના છે.