રાજકોટમાં વોર્ડ-4માં મ્યુનિના પ્લોટ્સ પર ખડકાયેલા દબાણો હટાવાયા
- 60થી વધુ ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવાયુ,
- કરોડોની કિંમતની 10,166 ચો.મી. જગ્યા ખાલી કરાવી
- વોર્ડ નંબર -6 માં એન્ગલ નાખી બંધ કરાયેલો રસ્તો ખૂલ્લો કરાયો
રાજકોટઃ શહેરના ઘણાબધા વિસ્તારોમાં સરકારી અને મ્યુનિની જમીન પર દબાણો ખડકાયેલા છે. કેટલાક દબાણો તો વર્ષોથી થયેલા છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દબાણો દૂર કરવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. દરમિયાન જિલ્લા કલેક્ટર દ્વારા તાજેતરમાં સરકારી માલિકીના પ્લોટ ખુલ્લા કરી ફેંસીંગ કરવાનો આદેશ અપાયો હતો.તેથી નવનિયુક્ત મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાની સુચનાથી મ્યુનિના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શહેરના પૂર્વ ઝોનમાં સામાકાંઠે વોર્ડ નં. 4 અને 6માં ડિમોલિશન હાથ ધરાયું હતુ. જેમાં બે પ્લોટમાંથી 60 ઝુંપડા તોડી પાડવામાં આવ્યા હતા. તેમજ એક સોસાયટીના મેઇન રોડ પર ગેરકાયદે ખડકી દીધેલા એંગલ જેસીબીની મદદથી ઉખેડી નાંખવામાં આવ્યા હતા. આ દબાણો હટાવાતા મ્યુનિની માલિકીના અનામત હેતુના રૂ. 97.43 કરોડનાં પ્લોટ ખુલ્લા થયા હતા.
રાજકોટ શહેરના મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરાના આદેશથી ટીપી શાખા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં સીટી ઇજનેર શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ પૂર્વ ઝોનમાં ટીપીના અનામત પ્લોટ ખુલ્લા કરાવવા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.4 અનામત પ્લોટ નં. 34-બીમાં કોમર્શિયલ હેતુનો પ્લોટ આવેલો છે. અહીં ઝુંપડા ખડકાઇ ગયા હતા. જેનાં પર બુલડોઝર ફેરવીને 10,166 ચો.મી. જગ્યા સાથે રૂ. 40.66 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. મોરબી રોડ જકાત નાકાથી વેલનાથપરા આગળ બ્રિજની સમાંતર આવેલા મનપાનાં પ્લોટમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. દબાણ હટાવ કામગીરી દરમિયાન પોલીસનો પુરતો બંદોબસ્ત ગોઠવાયો હતો.
આ ઉપરાંત આ જ વોર્ડની નજીકમાં રેસીડેન્સ સેલ હેતુનો 35-એ નંબરનો અનામત હેતુનો પ્લોટ આવેલો છે. આ કુલ 14193 ચો.મી. જમીનમાંથી પણ ઝુંપડાઓ હટાવી રૂ. 56.77 કરોડની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. બંને પ્લોટમાં રહેલા 60 જેટલા કાચા-પાકા ઝુંપડા પર બુલડોઝર ફેરવીને પ્લોટ ખુલ્લા કરાવાયા છે. હવે પ્લોટને સલામત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આમ કુલ 24359 ચો.મી. સાથે રૂપિયા 97.43 કરોડની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. ઉપરાંત વોર્ડ નં.6માં રામેશ્વર પાર્ક મેઇન રોડ પર સોસાયટી દ્વારા રસ્તો એંગલ મારીને બંધ કરી દેવામાં આવ્યાની ફરિયાદ આવી હતી. જેથી આ એંગલ ઉખેડી નાંખવામાં આવ્યા હતા અને સોસાયટીનો રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.