સરસ્વતી તાલુકાના વડુ ગામે ઈંટો ભરેલુ ટ્રેકટર પસાર થતાં નાળુ તૂટ્યું, બેનાં મોત
- નાળું તૂટતાં ટ્રેકટર માઈનોર કેનાલમાં ખાબક્યુ
- મૃતક બંને કૌટુંબિક ભાઈઓ, કાટમાળમાં 4 મજૂરો પણ દટાયા
- ટ્રેક્ટર વાગડોદથી કિમ્બુવા જઈ રહ્યું હતું તે વખતે બન્યો બનાવ
પાટણઃ સરસ્વતી તાલુકાના વડુ ગામ નજીક દાંતીવાડા કેનાલના નાળા ઉપરથી ઈંટો ભરેલું એક ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન અચાનક કેનાલનું નાળું તુટતાં ઈંટો ભરેલી ટ્રેકટર સાથે ટોલી પલટી મારી કેનાલમાં ખાબકતા ઇંટો અને કાટમાળમાં 4 મજૂરો દટાયા હતા.જેમાં એક મજૂરનું ઘટના સ્થળે તેમજ બીજા શ્રમિકનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે અન્ય બે મજૂરને કાઢી લેતાં બચી ગયા હતા.
આ બનાવની વિતો એવી જાણવા મળી છે કે, વાગડોદથી પ્રજાપતિ ચેતનભાઈ સવારે ટ્રેક્ટરમાં ઇંટો ભરી કિમ્બુવા ગામે ઉતારવા ગ્રામ્ય રસ્તેથી ટ્રેકટર-ટ્રોલી સાથે જઈ રહ્યા હતા. ટ્રેકટરની ટોલીમાં ઇંટો ઉપર 4 મજૂર બેઠા હતા. રસ્તામાં વડુથી શિયોલ રોડ પર વડુ પાસે દાંતીવાડા માઇનોર કેનાલનાં નાળા પરથી ટ્રેકટર ટ્રોલી સાથે પસાર થતા અચાનક નાળું તૂટીને એક તરફનો ભાગ ધરાશાઈ થતા ટ્રેક્ટર કાટમાળ સાથે બાજુમાં કેનાલની ચોકડીમાં પલટી મારીને ખાબક્યું હતું. જેમાં ટ્રોલી સાથે ચારેય મજૂરો પટકાતા કાટમાળમાં દટાઈ ગયા હતા. ઘટનાના પગલે આસપાસના લોકોના ટોળા દોડી આવી દટાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં વાલ્મિકી મહેશ નામના મજુર ઉપર આરસીસીનાં મોટા ટુકડા છાતીના ભાગ ઉપર પડતા ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો. અન્ય ત્રણ મજૂરોને બહાર કાઢી 108ને ફોન કરતા સ્થળ ઉપર દોડી આવી હતી. જેમાં મજૂરોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ એક શ્રમિક વાલ્મિકી ભીખાભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું.