વડોદરામાં દૂર્ગંધ મારતા ગંદા પાણીમાં ફેરીયાઓ શાકભાજી ધૂએ છે
- વડોદરામાં ગટર ગંગામાં રિક્ષાઓ ભરીને શાકભાજી ધોવાય છે,
- લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા શાકભાજીના વેપારીઓ,
- નાગરિકોને ગરમ પાણીથી ધોઈને જ શાકભાજીનો ઉપયોગ કરવા અપીલ
વડોદરાઃ ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ તો થાય છે, ઉપરાંત લીલા શાકભાજી અને ફળફળાદીમાં પણ પુરતી સ્વચ્છતા રખાતી નથી. શહેરમાં અત્યંત દૂર્ગંધ મારતા ગંદા પાણીમાં લીલા શાકભાજી ફેરિયાઓ ધોતા હોવાનો વિડિયો વાયરલ થયો હતો. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા શાકભાજીના ફેરિયા કે વેપારીઓ સામે પગલાં લેવાની માગ ઊઠી છે.
વડોદરા નજીક દુષિત પાણીમાં ધોવાઇને આવતા શાકભાજી છૂટક બજાર અને જથ્થાબંધ માર્કેટમાં વેચાઇ રહ્યા છે તેવા વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતો. એક જાગૃત નાગરિકે દુષિત પાણીમાં અમુક લોકો શાકભાજી ધોઇ રહ્યાં હોય તેવા વીડિયો ઉતારીને વાઇરલ કર્યા હતા. શાકભાજીના વેપારીઓ ટેમ્પા અને રિક્ષા ભરીને લીલા શાકભાજી લાવીને ગંદા પાણીમાં ધોઈ રહેલા વિડિયોમાં જોવા મળ્યા હતા દુષિત પાણીમાં ધોવાતા શાકભાજીના વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરનાર જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે, શાકભાજીના વેપારીઓ ખેતરોના માલિકો પાસેથી સીધા વિવિધ પ્રકારના લીલા શાકભાજી ખરીદીને શહેર તેમજ ગામડાઓમાં છૂટક ભાવે વેચી રહ્યા છે. તો કેટલાક વેપારીઓ ખેતરમાંથી શાકભાજી ખરીદીને જથ્થાબંધ માર્કેટમાં વેચે છે. આ શાકભાજી છૂટક બજારમાં અથવા જથ્થાબંધ માર્કેટમાં વેચાવા જતાં પહેલાં રસ્તામાં દુષિત પાણી ભરેલા કોતરોમાં ધોવાય છે. શાકભાજી ધોવા પાછળના કારણોમાં શાકભાજી ચોખ્ખાં અને તાજા લાગે. ઉપરાંત વજનમાં વધારો થવાથી નફામાં વધારો થાય છે. જેના કારણે વેપારીઓ દુષિત પાણીમાં શાકભાજી ધોઇને છૂટક બજારમાં અથવા જથ્થાબંધ માર્કેટમાં વેચવા માટે જતા હોય છે. અને આ દૂષિત પાણીથી ધોયેલા શાકભાજી પરિવારજનોનું આરોગ્ય બગાડવા રસોઇ ઘર સુધી આવી જાય છે.
મ્યુનિના આરોગ્ય વિભાગના અધિકારીના કહેવા મુજબ વડોદરા નજીક સોખડા, આજોડ, પાદરા સહિત જિલ્લાનાં વિવિધ ગામડાંમાંથી શહેરમાં વેચાણ માટે આવતી શાકભાજી રસ્તામાં કોતર, તળાવોના દુષિત પાણીથી ધોવાઇ ને જ આવી રહ્યા છે. લીલાછમ દેખાતા શાકભાજી લોકોનું આરોગ્ય સુધારી રહ્યા છે કે બગાડી રહ્યા છે ? તે એક સવાલ છે. ત્યારે, લોકોએ અને ખાસ કરીને ગૃહિણીઓએ શાકભાજીનો ઉપયોગ કરતાં પહેલાં સ્વચ્છ પાણીથી ધોવા હિતાવહ છે. બની શકે તો સ્વચ્છ ગરમ પાણીથી ધોઇને શાકભાજીનો ઉપયોગ કરવો. બજારમાં મળતી શાકભાજી દૂષિત પાણીથી ધોયેલી હોય છે, આથી એનો ઉપયોગ કરતાં પહેલાં ચોખ્ખા પાણીથી ધોઇને ઉપયોગ કરવા લોકોને અપીલ છે.