વડોદરામાં સફાઈ કામદારોએ કોન્ટ્રાક્ટ પદ્ધતિ સામે મ્યુનિ. સામે મોરચો માંડ્યો
- વડાપ્રધાનના આગમનને લીધે સફાઈ કામદારોએ આંદોલન સમેટ્યુ
- સફાઈ કામદારો તા.27મીએ કાળીપટ્ટી પહેરીને વિરોધ કરશે
- સફાઈકર્મીઓએ ઝૂ ક્યુરેટરને ગુલાબ આપી રજૂઆત કરી
વડોદરાઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. અને કોન્ટ્રાક્ટરો દ્વારા સફાઈ કામદારોનું શોષણ કરવામાં આવતુ હોવાના આવતું હોવાથી સફાઈ કામદારોએ મ્યુનિ. સામે મોરચો માંડીને કોન્ટ્રાક્ટને બદલે સફાઈ કામદારોની કાયમી ભરતી કરવાની માગ ઊઠી છે. મ્યુનિના 140થી વધુ સફાઈ કર્મચારીઓએ કામદારોના શોષણ અને કોન્ટ્રાક્ટ આધારિત નોકરીની નીતિ સામે વિરોધમાં હડતાળ શરૂ કરી છે. શહેરના કમાટીબાગ, પ્રાણી સંગ્રહાલય સહિત શહેરના મ્યુનિ. સંચાલિત તમામ બાગ-બગીચાઓમાં કામ કરતા સફાઈ કર્મીઓ, માળી, મજૂર અને એનિમલ કીપર્સે આ હડતાળમાં ભાગ લીધો છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાત આવવાના હોવાથી હાલ સફાઈકર્મીઓએ ઝૂ ક્યુરેટરને ગુલાબ આપી રજૂઆત કરી છે અને આંદોલન સમેટ્યું છે. જ્યારે વડાપ્રધાન પરત ફરશે ત્યારબાદ ફરી 27 તારીખથી સફાઈકર્મીઓ ફરી કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવશે.
વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા માનવદિન પ્રથા હેઠળ કોન્ટ્રાક્ટ આધારિત કામદારોને નોકરી સોંપવાની તૈયારી થઈ રહી છે, જેનો સફાઈ કામદારો વિરોધ કરી રહ્યા છે. સફાઈ કર્મચારીઓની માગ છે કે, છેલ્લા 15 વર્ષથી સેવા આપતા સફાઈ કામદારોને રોજિંદા કે કાયમી ધોરણે નોકરી આપવામાં આવે. શહેરના કમાટીબાગમાં કર્મચારીઓએ પોસ્ટર-બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અનોખા અંદાજમાં, તેઓએ કમાટીબાગમાં આવતા-જતા સહેલાણીઓને ગુલાબનું ફૂલ આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ "કામદારોનું શોષણ બંધ કરો"ના નારા લગાવ્યા અને જણાવ્યું કે, જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી નહીં થાય, ત્યાં સુધી બગીચાઓમાં સફાઈ કામગીરી બંધ રહેશે.
સફાઈ કામદારોના કહેવા મુજબ "અમારી સાથે 140 કામદારો છે, જેમાં સફાઈ કર્મચારી, માળી, મજૂર અને એનિમલ કીપર જેવી વિવિધ કેટેગરીના કામદારોનો સમાવેશ થાય છે. અમને બધા પ્રકારનાં કામ કરાવવામાં આવે છે. છેલ્લા 15 વર્ષથી અમે નોકરી કરીએ છીએ, પરંતુ અમને કાયમી કરવાને બદલે અધિકારીઓ કોન્ટ્રાક્ટ લાવીને પોતાના ખિસ્સા ભરવાની તૈયારી કરી રહ્યા છે. અમે આનો સખત વિરોધ કરીએ છીએ." વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે તેઓનું માન જળવાય તે માટે અમે આંદોલન સમેટીએ છીયે, પરંતુ આગામી 27 તારીખે વડાપ્રધાન જાય બાદમાં ફરી કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કરીશું. અગાઉ એક ઐતિહાસિક નિર્ણય હેઠળ 1200 કર્મચારીઓનું મહેકમ ઊભું કરી 960 કામદારોને કાયમી કરવામાં આવ્યા હતા અને બાકીના કર્મચારીઓને રોજિંદા ધોરણે પરિવર્તિત કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, હાલની પરિસ્થિતિમાં આ નિર્ણયનું પાલન નથી થઈ રહ્યું.