વડોદરામાં ઈકો કાર એક્ટિવા સાથે અથડાયા બાદ દુકાનમાં ઘૂંસી ગઈ
- કારચાલક કારને ગીયરમાં રાખીને ખરીદી કરવા ગયો હતો,
- કારમાં બેઠેલા સગીરે ચાવી ઘૂમાવતા કાર દોડવા લાગી,
- અનાજની દુકાનમાં હાજર ત્રણ વ્યક્તિઓને ઈજા
વડોદરાઃ શહેરમાં એક કારચાલકની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હતો, શહેરના ચોખંડી વિસ્તારમાં એક ઇકો કાર અનાજની દુકાનમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. કારચાલક રોડ સાઈડ પર કાર પાર્ક કરીને ખરીદી કરવા ગયો હતો ત્યારે કારમાં બેઠેલા 16 વર્ષીય સગીરે કારની ચાવી ફેરવી દેતા ગીયરમાં રહેલી કાર એક એક્ટિવા સાથે અથડાઈને દુકાનમાં ઘૂસી ગઈ હતી. જેમાં દુકાનમાં ઊભેલા ત્રણ લોકોને ઈજાઓ થઈ હતી.
વડોદરા શહેરના મુખ્ય બજાર ગણાતા ચોખંડી મુખ્ય માર્ગ પર આન અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેના CCTV ફૂટેજ પણ વાયરલ થયા હતા. આ અકસ્માતમાં ઇકો કાર અનાજના દુકાનમાં ઘૂસી ગઇ હતી. અનાજની દુકાનમાં ઊભેલા ત્રણ જણાને ઈજાઓ થઈ હતી.. આ ઘટનામાં એક ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે બેને સામાન્ય ઈજા થઈ હતી.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, વડોદરા શહેરના વાડી પોલીસ મથકની સામે આવેલી ડભોઈ વાલા નામની દુકાનમાં સાંજના સમયે એકાએક ઈકો કાર ઘૂસી જતા દુકાનમાં હાજર 3 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. કાર ચાલક રોડ સાઈડ પર કાર પાર્ક કરીને ખરીદી કરવા માટે ગયો હતો ત્યારે કારમાં બેઠેલા 16 વર્ષીય સગીરે કારની ચાવી ફેરવી દેતા ગીયરમાં રહેલી કાર દોડવા લાગી હતી અને એક એક્ટિવાને અડફેટે લઈને કાર દુકાનમાં ઘૂસી ગઈ હતી. વાડી પોલીસ મથકની સામે ડભોઈ વાલા નામની અનાજની દુકાનમાં એકાએક ઈકો કાર ઘૂંસી આવતાં લોકોના ટોળાં ઉમટ્યા હતા. ઘટનામાં ડભોઈવાલા દુકાનમાં હાજર 3 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેમાં એક વ્યક્તિને પગમાં ઈજા પહોંચી હતી ઘટના બનતા વાડી પોલીસ મથકનો સ્ટાફ પણ આવી ગયો હતો.
આ બનાવ અંગે વાડી પોલીસ મથકના પી.આઇ જે આર ગામીતે જણાવ્યું હતું કે, આ અકસ્માત અંગેની માહિતિ મળતાની સાથેજ તમારી ટીમ ત્યાં તાત્કાલીક પોંહચી હતી. હાલમાં આ બનાવ અંગે કાર્યવાહી કરી રહ્યાં છીએ. આ ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. એક રિક્ષા અને એક એક્ટિવાને નુકસાન પહોંચ્યું છે.