વડોદરામાં દારૂ પીધેલા કારચાલકને કારમાંથી ખેંચીને મહિલાએ મારમાર્યો, પોલીસે કરી ધરપકડ
- ઉશ્કેરાયેલી મહિલાએ દારૂડિયા ચાલકને લાફા માર્યા,
- ગોત્રી પોલીસે દારૂડિયા કારચાલકની ધરપકડ કરી,
- કારચાલકે કાન પકડીને કહ્યું હવે દારૂ પીને કાર નહીં ચલાવું
વડોદરાઃ શહેરમાં દારૂ પીધેલા વાહનચાલકોને લીધે અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે શહેરના ગોત્રી રોડ પર ઈકો કારમાં શોરભાઈ ઉર્ફે મુકેશ સોમાભાઈ મકવાણા નામનો શખસ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ નશાબાજ કારચાલકને એક મહિલાએ 5 લાફા મારી દીધા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને પગલે ગોત્રી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ગોત્રી પોલીસ સ્ટેશન આવ્યા બાદ આરોપીએ કાન પકડીને પોલીસ સમક્ષ કહ્યું હતું કે, મેં દારૂ પીને ગાડી ચલાવી, આજ પછી નહીં ચલાવુ અને બીજા લોકોએ પણ ન ચલાવવી જોઈએ. મહેરબાની કરીને ધ્યાન રાખજો.
વડોદરા શહેરના ગોત્રી રોડ ઉપર આવેલા યસ કોમ્પલેક્ષ પાસે ઇકો કારમાં એક શખસ નશાામાં ધૂત થઈને બેઠેલો હતો. આ સમયે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. આ દરમિયાન એક મહિલાએ આવીને નશાબાજ શખસને ઈકો કારમાંથી ખેંચીને બહાર કાઢ્યો હતો. ત્યાર બાદ આ શખસ રોડ પર સુઈ ગયો હતો. આ સમયે મહિલાએ કહ્યું હતું કે, કશું થયું નથી પીધેલો છે. નશાબાજ કારચાલક એટલો ચૂર હતો કે, ઊભો થઈ શકવાની સ્થિતિમાં પણ નહોતો, ત્યારબાદ મહિલાએ આ શખસને કહ્યું હતું કે ઉભો થા, જેથી તે બેઠો થયો હતો. આ સમયે મહિલાએ તેને પાંચ થપ્પડ મારી દીધી હતી, ત્યારબાદ આ શખસને તેના પરિવારજનો લઈ ગયા હતા. આ વાઇરલ વીડિયોના આધારે ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એન. પટેલે સર્વેલન્સ સ્ટાફને કાર્યવાહી કરવા સૂચના આપી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપીની ઓળખ કિશોરભાઈ ઉર્ફે મુકેશ સોમાભાઈ મકવાણા (ઉંમર: 38 વર્ષ), (રહે: બ્લોક-1, મ.ન.05, દીનદયાલનગર, વુડાના મકાન, ગોત્રી, વડોદરા) તરીકે થઈ હતી. આરોપી નશાની હાલતમાં મળી આવ્યો હતો. તેની સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેરમાં નશો કરેલી હાલતમાં વાહનો હંકારવાના બનાવો વધતા જાય છે. આ પહેલા શનિવારે રાત્રે પણ દારૂ પીને કાર ચલાવતો સુરતના એક શખ્સને અકોટા પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની સામે પ્રોહીબિશનનો ગુનો દાખલ કરીને કરીને તપાસ શરૂ કરી હતી. ત્યારે રવિવારે ફરીથી વધુ એક શખ્સ દારૂ પીધેલી હાલતમાં કારમાંથી મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે.