For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વડોદરામાં મ્યુનિની ગાર્બેજ વાનના ચાલકે નશામાં ઘૂત બની બે લોકોને અડફેટે લીધા

04:36 PM Nov 19, 2025 IST | Vinayak Barot
વડોદરામાં મ્યુનિની ગાર્બેજ વાનના ચાલકે નશામાં ઘૂત બની બે લોકોને અડફેટે લીધા
Advertisement
  • લોકોએ નશાબાજ ટેમ્પાચાલકને પકડીને મેથીપાક ચખાડ્યો,
  • પાણીગેટ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ટેમ્પાચાલકની અટકાયત કરી,
  • કચરો વહન કરતા ટેમ્પા પર વીએમસી ઓન ડ્યુટી લખ્યું હતું.

વડોદરાઃ શહેરમાં અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં શહેરના હરણી રીંગ રોડ પર મ્યુનિના ગાર્બેજ વાહને (ટેમ્પાએ) વધુ એક અકસ્માત સર્જ્યો હતો. શહેરના હરણી વારસિયા રીંગ રોડ પર મોડી રાત્રે વડોદરા મ્યુનિના ડોર ટુ ડોર ટેમ્પોના ચાલકે નશામાં ધૂત થઈને બે લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતની આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકોએ ટેમ્પો ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતા પાણીગેટ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગત એવી છે. કે, વડોદરા શહેરના હરણી વારસિયા રીંગ રોડ પર કિશનવાડી પાસે મંગળવારે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ વડોદરા મ્યુનિ.કોર્પોરેશનના કચરા કલેક્શનની કામગીરી કરતો ટેમ્પો ચાલક બેફામ બન્યો હતો. મુન્ના ભુરાભાઈ મેડા (ઉ.વ.29 હાલ રહે. મહાકાળી મંદિરની સામે આવેલ ઝુપડામાં, આર.સી.સી. રોડ ગાજરાવાડી, વડોદરા શહેર મુળ રહે. ગામ-થાનલા, તા-જાભવા થાના-થાનલા મધ્યપ્રદેશ)એ ચિક્કાર દારૂ પીધેલો હતો. તેણે પૂરપાટ ઝડપે ટેમ્પો ચલાવ્યો હતો અને રોડ ઉપર ઉભેલા બે લોકોને અડફેટે લીધા હતા અને બંનેને ફંગોળ્યા બાદ રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટેમ્પોને ટક્કર મારી હતી. જેથી ટેમ્પો પણ દૂર સુધી ઢસડાયો હતો.

આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને લોકોએ ટેમ્પો ચાલકને ટેમ્પોમાંથી ઉતારીને માર માર્યો હતો અને લોકોએ તેને પૂછ્યું હતું કે, તું દારૂ ક્યાંથી લાવ્યો હતો? જેથી ટેમ્પો ચાલકે કહ્યું હતું કે, અહીંથી જ દારૂની પોટલી લીધી હતી અને પીધી હતી. લોકોએ તેની પાસે લાયસન્સ માંગ્યું હતું, પરંતુ તેની પાસે લાયસન્સ નહોતું અને કહ્યું હતું કે, મારા ઘરે આવો તો લાઇસન્સ બતાવુ. આ ઉપરાંત તે લોકો સાથે વાત કરતા કરતા દાદાગીરી કરતો હતો. તેના ટેમ્પો પર વીએમસી ઓન ડ્યુટી લખ્યું હતું.

Advertisement

આ અકસ્માતની આ ઘટના નજીકના CCTVમાં કેદ થઈ ગઈ હતી, જેમાં સ્પષ્ટ દેખાતું હતું કે, ટેમ્પો ચાલકે બેફામ બનીને પોતાનો ટેમ્પો ચલાવ્યો હતો અને રોડ ઉપર ઉભેલા બે લોકોને અડફેટે લીધા હતા અને ત્યારબાદ રોડની બાજુમાં પાર્ક કરેલા અન્ય એક ટેમ્પોને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી સ્પીડમાં મારી હતી કે, પાર્ક કરેલો ટેમ્પો પણ દૂર જતો રહ્યો હતો. અકસ્માતના બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા અને સ્થાનિક લોકોએ તુરંત જ પાણીગેટ પોલીસને જાણ કરી હતી. પાણીગેટ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા ટેમ્પો ચાલક આરોપી મુન્ના ભુરાભાઈ મેડા દારૂ પીધેલી હાલતમાં હતો અને તેના ટેમ્પામાં પણ દેશી દારૂની પોટલી મળી આવી હતી. જેને પગલે પાણીગેટ પોલીસે આરોપી સામે પ્રોહીબિશનનો ગુનો દાખલ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement