વડોદરામાં વિશ્વામિત્રીના પૂરના પાણી રોકવા ઉપરવાસમાં ચેકડેમો બનાવાશે
- પાવાગઢ-હાલોલનું પાણી વિશ્વામિત્રીમાં ભળી શહેરમાં પ્રવેશે છે
- પાવાગઢથી વડોદરા વચ્ચેનાં નાનાં તળાવો ઊંડાં કરી કાંસ બનાવાશે
- વિશ્વામિત્રીના 14 અને સૂર્યા નદી પર બનાવેલા 9 ચેકડેમો જર્જરિત
વડોદરીઃ શહેરમાં ગત ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીના પૂરના પાણી શહેરમાં ઘૂંસી ગયા હતા. અને ભારે નુકસા વેઠવું પડ્યું હતું. તત્કાલિન સમયે તંત્ર સામે લોકોમાં ભારે વિરોધ જાગ્યો હતો. આ મામલે સરકારે એક કમિટીની નિમણુંક કરીને ભવિષ્યમાં આવી સ્થિતિ ફરીવાર ન સર્જાય તે માટે રિપોર્ટ આપવા જણાવ્યું હતું. કમિટી દ્વારા રિપોર્ટ સબમિટ કરાયા બાદ વિશ્વામિત્રીની સફાઈ, ઊંડી કરવા સહિતનાં આયોજનો વચ્ચે પાલિકા દ્વારા પણ સરવે કરાયો હતો. જેમાં આજવા સરોવર, પાવાગઢ અને હાલોલનું પાણી એક સાથે વિશ્વામિત્રીમાં ઠલવાતું હોવાનું જણાવ્યુ હતું. જેને રોકવા ચેકડેમ બનાવવા, વરસાદી કાંસ, નાનાં તળાવો ઊંડા કરવા વગેરે સલાહ આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારમાં તજ્જ્ઞોની સમિતિ દ્વારા અહેવાલ રજૂ કરાયા બાદ વિશ્વામિત્રી પ્રોજેક્ટનો અમલ શરૂ કરવાના ભાગરૂપે વિશ્વામિત્ર નદીના ઉદગમ સ્થાન પાવાગઢથી વડોદરા સુધીના સ્ત્રાવ વિસ્તારનો સરવે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. સ્ત્રાવ વિસ્તારમાંથી આજવા સરોવર, પાવાગઢ, હાલોલનું પાણી વિશ્વામિત્રી નદીમાં એક સાથે ઠલવાયા છે અને શહેરમાં પ્રવેશે છે. જેને રોકવા ચેકડેમ, વરસાદી કાંસ અને નાનાં તળાવો ઊંડાં કરવાનું આયોજન કરવું પડે તેવી બાબત સરવેમાં કહેવામાં આવી છે. પાવાગઢથી વડોદરા વચ્ચે ધનસરવા, ગુંતાલ જેવાં ગામ તળાવોને ઊંડાં કરવાનું આયોજન સરવે બાદ કરવાનું નક્કી કર્યું છે. જેથી એક સાથે ઝડપથી ઠલવાતો પાણીનો જથ્થો રોકી શકાય.
સૂત્રોના કહેવા મુજબ વડોદરા મ્યુ. કમિશનર દિલીપ રાણા, કાર્યપાલક ઇજનેર ધાર્મિક દવે, ઇજનેરોએ પાવાગઢથી વડોદરા વચ્ચે વિશ્વામિત્રી અને આજવાના સ્ત્રાવ વિસ્તારનો સરવે કર્યો હતો. જેમાં વિશ્વામિત્રીના 14, સૂર્યા નદી પર બનાવેલા 9 ચેકડેમ બિસ્માર હોવાનો રિપોર્ટ અપાયો છે. પાવાગઢથી દેણા સુધીના વિસ્તારમાં નદીનો ઢોળાવ પ્રતિ કિમીના 2 મીટર અને દેણાથી મારેઠા સુધીનો ઢોળાવ પ્રતિ કિમીના 40 મીટર અને મારેઠાથી ખંભાતના અખાત સુધીનો ઢોળાવ પ્રતિ કિમીના 0.10 મીટર છે. જેથી ખૂબ જ ઝડપથી પાણી શહેરમાં આવે છે અને તેનો નિકાલ ખૂબ ધીમી ગતિથી થાય છે.