ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ખનીજ માફિયા સામે 17695 કેસ કરીને 309 કરોડની વસુલાત કરી
- રાજ્યમાં ગેરકાયદે ખનન સામે કડક કાર્યવાહી કરવામાં આવે છેઃ રાજપૂત
- મહિસાગર અને પંચમહાલમાં કુલ 779 કેસમાં રૂ. 816.73 લાખની નોટીસ ઇસ્યુ કરાઈ,
- સુરેન્દ્રનગર જિલ્લામાં 30 લીઝને મંજુરી અપાઈ
ગાંધીનગરઃ વિધાનસભા ગૃહ ખાતે મહિસાગર અને પંચમહાલ જિલ્લામાં છેલ્લાં એક વર્ષમાં ખનીજ ચોરીના કેસો અંગે પૂછાયેલા પ્રશ્નનો ખાણ અને ખનીજ વિભાગ વતી જવાબ આપતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોઇપણ વિસ્તારમાં ગેર કાયદેસર રીતે ખનીજનું ખનન થતું હશે તેના વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે છે. ગેરકાયદે રીતે ખનીજના ખનન, વહન અને સંગ્રહના નિવારણ બાબતે રજુઆત અંગે તપાસ હાથ ધરી નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ગેરકાયદેસર ખનન, સંગ્રહ અને વહન અન્વયે 17,695 કેસ કરી રૂ. 309.25 કરોડની વસુલાત કરવામાં આવી છે.
મંત્રી રાજપૂતે ઉમેર્યું હતું કે, છેલ્લાં એક વર્ષમાં મહિસાગર અને પંચમહાલ જિલ્લામાં કુલ 779 કેસમાં રૂ. 816.73 લાખની નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે. જેમાં મહિસાગર જિલ્લામાં 154 કેસ કરી રૂ. 229.93 લાખની નોટીસ ઇસ્યુ કરાઈ છે તથા પંચમહાલ જિલ્લામાં કુલ 625 કેસ કરી ૫૭૫.૫૯ લાખની નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 1995થી 2020 સુધીમાં તા. 31 જાન્યુઆરી 2025ની સ્થિતિએ કુલ 78.76 હેક્ટર વિસ્તારમાં કાર્બોસેલ ખનિજના ખનન માટે કુલ 30 લીઝને મંજૂરી આપવામાં આવી છે, જે હાલમાં કાર્યરત છે. આ કુલ 30 લીઝમાંથી વર્ષ 2014થી 2024 સુધીમાં 12 લીઝની માપણી કરવામાં આવી છે. આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં આ 30 લીઝમાંથી રાજ્ય સરકારને કુલ રૂ.779 લાખથી વધુની રોયલ્ટી સ્વરૂપે આવક થઈ છે તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતાં ખાણ અને ખનીજ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
મંત્રી રાજપૂતે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, આ 30 લીઝમાંથી છેલ્લા બે વર્ષમાં ગેરકાયદેસર ખનન અંગે કુલ પાંચ કેસ નોંધાયા છે. આ મંજૂર થયેલી લીઝમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. ગેરકાયદેસર ખનન સામે રાજ્ય સરકાર દ્વારા કડક હાથે કામ લેવામાં આવે છે. આ પ્રકારના કેસમાં ગુનેગારો સામે પાસા તેમજ પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરીને કરોડોનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે તેમ, મંત્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.