ધોરણ 12 સાયન્સમાં પરિણામમાં વિદ્યાર્થીઓ ફિઝિક્સ કરતા કેમેસ્ટ્રીમાં વધુ ધોવાયા
- ધો, 12 સાયન્સમાં A1 ગ્રેડ 831, A2 ગ્રેડ 8083 અને B1 ગ્રેડ 15678 વિદ્યાર્થીઓએ મેળવ્યો
- ગુજકેટમાં 99 ટકા કરતા વધારે પર્સન્ટાઈલ A ગ્રુપના 489 વિદ્યાર્થીઓએ મેળવ્યો
- જ્યારે 99 ટકા પર્સન્ટાઈલ મેળવનારા B ગ્રુપના વિદ્યાર્થીઓની સંખ્યા 790 છે.
અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા રાજ્યના 152 કેન્દ્રો ઉપર લેવામાં આવી હતી. જેમાં 1,11,223 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 1,10,395 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં નિયમિત વિદ્યાર્થીઓ, 1,00,725 ૫ નોંધાયા હતા. જે પૈકી 1,00,575 એ પરીક્ષા આપી હતી જેમાંથી કુલ 83,987 પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયા હતા. આમ રાજ્યમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 % આવ્યું છે. આ પરિણામમાં વિદ્યાર્થીઓ ફિઝિક્સ કરતા કેમેસ્ટ્રીમાં વધુ ધોવાયા છે. વિષયવાર પરિણામ જોઈએ તો કેમેસ્ટ્રીમાં 83.83 ટકા, ફિઝિક્સમાં 84.95 ટકા અને બાયોલોજીમાં 91.77 ટકા પરિણામ આવ્યું છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર દાહોદ બન્યું છે, જ્યાં 54.48 ટકા પરિણામ આવ્યું છે. આ સાથે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર મોરબી રહ્યું છે જ્યાં 92.92 ટકા પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહના પરિણામની જિલ્લા પ્રમાણેની વાત કરીએ તો, ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદમાં 59.15 ટકા પરિણામ, વધુ પરિણામ ધરાવતો જિલ્લો મોરબી છે જ્યાં 92.91 ટકા પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં ગ્રેડવાર ઉમેદવારોની સંખ્યા જોઈએ તો, A1 ગ્રેડ મેળવનાર 831, A2 ગ્રેડ મેળવનાર 8083, B1 ગ્રેડ મેળવનાર 15678, B2 ગ્રેડ મેળવનાર 19,196 વિદ્યાર્થીઓ નોંધાયા છે. વિષયવાર પરિણામની વિગત જોઈએ તો, ગુજરાતી વિષયનું પરિણામ 99.86 ટકા, હિન્દી, મરાઠી, ઉર્દુમાં પરિણામ 100 ટકા જ્યારે કેમેસ્ટ્રીમાં 83.83 ટકા, ફિઝિક્સમાં 84.95 ટકા અને બાયોલોજીમાં 91.77 ટકા પરિણામ આવ્યું છે.
GUJCET 2025 નું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 99 ટકા કરતા વધારે પર્સન્ટાઈલ મેળવનાર A ગ્રુપના વિદ્યાર્થીઓની સંખ્યા 489 છે જ્યારે B ગ્રુપના વિદ્યાર્થીઓની સંખ્યા 790 છે.