રેલ્વે ઈલેક્ટ્રીફિકેશન મામલે ભારત સમગ્ર દુનિયામાં ચોથા ક્રમે, 94 ટકા કામગીરી પૂર્ણ
ભારતમાં દરરોજ લાખો મુસાફરો રેલવે દ્વારા પ્રવાસ કરે છે. ભારતીય રેલ્વે અમેરિકા, ચીન અને રશિયા પછી વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. દેશના મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે, ખાસ કરીને લાંબી મુસાફરી માટે, કારણ કે તે ખૂબ જ આરામદાયક માનવામાં આવે છે. ભારતમાં આજે મોટાભાગના રેલ્વે માર્ગો પરની રેલ્વે લાઈનો ઈલેક્ટ્રીક થઈ ગઈ છે. જો કે, ભારતમાં રેલવે હજુ પણ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક રૂટ પર નિર્ભર નથી. જો આપણે વિશ્વભરના દેશોની વાત કરીએ તો, વિશ્વના ફક્ત ત્રણ દેશોમાં 100% રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન છે. સાદી ભાષામાં કહીએ તો આ દેશોમાં ટ્રેનો ઈલેક્ટ્રિક એન્જિન પર ચાલે છે. જેમાં સ્વિત્ઝર્લેન્ડ, સિંગાપોર અને મોનાકોનો સમાવેશ થાય છે. જોકે આ દેશોનું રેલ નેટવર્ક ઘણું નાનું છે. આ સિવાય મોટા દેશોની વાત કરીએ તો રેલ્વે ઇલેક્ટ્રિફિકેશનના મામલે ભારત ટોચ પર છે.
અમેરિકા, ચીન અને રશિયા પછી ભારત વિશ્વમાં ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક ધરાવે છે. પરંતુ રેલ્વે ઇલેક્ટ્રિફિકેશનની બાબતમાં ભારત આ દેશો કરતાં ઘણું આગળ છે. ભારતમાં 94% રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન છે જ્યારે અમેરિકામાં માત્ર 37%, ચીનમાં 67% અને રશિયામાં 51% ઈલેક્ટ્રિક છે. માહિતી અનુસાર, અમેરિકામાં રેલ નેટવર્ક 250,000 કિમી, ચીનમાં 124,000 કિમી, રશિયામાં 86,000 કિમી અને ભારતમાં 68,525 કિમી છે. આ પછી કેનેડા (48,000 કિમી), જર્મની (43,468 કિમી), ઓસ્ટ્રેલિયા (40,000 કિમી), બ્રાઝિલ (37,743 કિમી), આર્જેન્ટિના (36,966 કિમી) અને દક્ષિણ આફ્રિકા (31,000 કિમી) આવે છે.
વિશ્વ બેંકના ડેટા અનુસાર, રેલ્વે ઇલેક્ટ્રિફિકેશનમાં ભારત પછી બેલ્જિયમ (82%), દક્ષિણ કોરિયા (78%), નેધરલેન્ડ (76%), જાપાન (75%), ઑસ્ટ્રિયા (75%), સ્વીડન (75%), નોર્વે (68%), સ્પેન (68%) અને ચીન (67%)નો સમાવેશ થાય છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં ચાર ટકા, મેક્સિકોમાં ત્રણ ટકા, ઇજિપ્તમાં એક ટકા, અમેરિકામાં એક ટકા, આર્જેન્ટિનામાં 0.5 ટકા અને કેનેડામાં 0.2 ટકા છે. ભારતમાં 61,813 કિલોમીટરના બ્રોડગેજ નેટવર્કનું વિદ્યુતીકરણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે, જે કુલ નેટવર્કના લગભગ 94 ટકા છે. 2014 થી 2023 વચ્ચે આના પર 43,346 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2023-24માં આ માટે 8,070 રૂપિયાની વધારાની ફાળવણી કરવામાં આવી છે.