સુરતમાં વાહનચાલકોને પતંગની દોરીથી બચાવવા ઓવરબ્રિજ પર તાર લગાવાયા
• ઉત્તરાણ પહેલા જ મ્યુનિ. કોર્પોરેશનને વાહનચાલકોને બચાવવા આયોજન કર્યું
• શહેરના 120 બ્રિજની સાઈડ દીવાલો પર તાર લગાવવાનો પ્રારંભ
• દર વખતે પતંગની દોરીને લીધે વાહનચાલકો અકસ્માતોના ભોગ બનતા હતા
સુરતઃ શહેરનો પતંગોત્સવ દેશભરમાં જાણીતો છે. સુરતી દોરી અને સુરતી પતંગ બન્ને વખણાય છે. અને એની માગ રહેતી હોય છે. તેમજ ઉત્તરાણના પર્વમાં બહારગામના લોકો પણ પતંગો ચગાવવા માટે આવતા હોય છે. શહેરમાં ઉત્તરાણ પહેલા જ પતંગો ચગાવવામાં આવતી હોય છે. પતંગોને કારણે નાના-મોટા અકસ્માતો પણ સર્જાતો હોય છે. જેમાં શહેરના ઓવરબ્રિજ પર પતંગની દોરીથી દ્વિચક્રી વાહનચાલકોના ગળા કપાવવાના પણ બનાવો બનતા હોય છે. આ વખતે આવી કોઈ ઘટના ન બને તે માટે સુરત શહેરના મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ શહેરના તમામ બ્રિજ પર તાર લગાવવાનો નિર્ણય કર્યો છે. એના કામનો પ્રારંભ થઈ ગયો છે.
સુરત શહેરમાં દરેક તહેવાર લોકો ખૂબ જ મોજશોખથી ઉજવતા હોય છે. ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર દરમિયાન સુરતીઓ ખૂબ ઉત્સાહપૂર્વક તેની ઉજવણી કરતા હોય છે. 14 જાન્યુઆરી ઉતરાયણના દિવસો પહેલા જ પતંગ ચગાવવાની શરૂઆત થઈ જાય છે તેમજ વાસી ઉતરાયણની પણ પરંપરા સુરતમાં જોવા મળે છે. સુરત શહેરમાં 120 કરતા પણ વધુ બ્રિજ હોવાને કારણે વાહનચાલકો ત્યાંથી પસાર થતાં સમયે મોતનું સંકટ તેમના પર રેળાતું હોય છે. જેને પગલે વાહનચાલકોના રક્ષણ માટે તાર લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
શહેરના ડભોલી જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા બ્રિજ ઉપર તાર લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઉતરાયણ દરમિયાન પતંગની દોરીને કારણે ગળા કપાઈ જવાની ઘટના બનતી હોય છે ખાસ કરીને વાહનચાલકો જ્યારે બ્રિજ પરથી પસાર થાય છે તે દરમિયાન દોરી માર્ગમાં આવી જાય છે અને અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, એટલું જ નહીં ઘણા કિસ્સાઓમાં તો વાહન ચાલકોએ હેલ્મેટના પહેર્યું હોય તો નાક અને કાન કપાઈ જવાની ઘટનાઓ પણ સામે આવે છે. જેને પગલે જહાંગીરપુરા ડભોલી વિસ્તારના બ્રિજ પરથી તાર બાંધવાની શરૂઆત કરવામાં આવી છે. જે આગામી દિવસોમાં તમામ શહેરના બ્રિજ ઉપર તાર લગાડી દેવાશે.
સૂત્રોના કહેવા મુજબ બ્રિજ સીટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં ઘણા એવા બ્રિજ અને ફ્લાયઓવર છે કે જે ઉતરાયણના દિવસો દરમિયાન બેથી ત્રણ દિવસ સુધી બંધ રાખવામાં આવે છે કારણ કે ત્યાંથી પસાર થતા વાહનચાલકો પતંગની દોરીને કારણે ઇજાગ્રસ્ત થતા હોય છે. અથવા તો મોતને પણ ભેટતા હોય છે. આ અકસ્માતો ને રોકવા માટે સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બ્રિજની બંને બાજુએ તાર લગાડી દેવામાં આવે છે જેથી કરીને દોરી નીચે સુધી ન આવે અને વાહનચાલકના ગળામાં કે અન્ય જગ્યાએ ભરાઈ ના જાય.